News of Thursday, 15th May 2025
૮મા પગાર પંચ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાંબી રાહ જોવી પડશે : આયોગની રચનામાં વિલંબથી ભલામણો ૨૦૨૭ સુધી લંબાઈ શકે છે
હજુ સુધી ટર્મ્સ ઓફ રેફરન્સ (TOR) ફાઈનલ નહીં થતા આયોગની રચના અટકી : કર્મચારી સંગઠનો દ્વારા વહેલી રચના અને ૨૦૨૬થી અમલની માંગણી યથાવત : એરિયર પર સરકારના નિર્ણયની સૌ કોઈને રાહ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે ૮મા પગાર પંચની રાહ હવે વધુ લાંબી થતી જણાઈ રહી છે. નિયમાનુસાર દર દસ વર્ષે નવા પગાર પંચની રચના થતી હોવા છતાં, ૭મું પગાર પંચ ૧ જાન્યુઆરી, ૨૦૧૬થી લાગુ થયા બાદ પણ હજુ સુધી ૮મા પગાર પંચની રચના કરવામાં આવી નથી. જેના કારણે એવી અટકળો વહેતી થઈ હતી કે આ પગાર પંચ ૨૦૨૬થી અમલમાં આવી શકે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા તેમાં વિલંબ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
સરકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ૮મા પગાર પંચની રચનામાં મુખ્ય અવરોધ ટર્મ્સ ઓફ રેફરન્સ (TOR)ને અંતિમ સ્વરૂપ આપવામાં થઈ રહેલો વિલંબ છે. જ્યાં સુધી સરકાર દ્વારા TORને મંજૂરી આપવામાં નહીં આવે, ત્યાં સુધી નવા પગાર પંચની રચના શક્ય નથી અને તેના કારણે ભલામણો તૈયાર કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ શકશે નહીં. જાણવા મળ્યું છે કે આ વખતે TOR તૈયાર કરવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી રહ્યો છે.
આ વિલંબની સીધી અસર પગાર પંચની ભલામણોના અમલીકરણ પર પડશે. જો આયોગની રચના વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં થાય છે, તો પણ તેને પોતાની ભલામણો તૈયાર કરવામાં ઓછામાં ઓછા ૧૫ મહિનાનો સમય લાગી શકે છે. આ ગણતરી મુજબ, ૮મા પગાર પંચનો રિપોર્ટ વર્ષ ૨૦૨૭ની શરૂઆત સુધીમાં જ સરકારને સુપરત કરવામાં આવે તેવી સંભાવના છે.
હાલની સ્થિતિમાં, ૮મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર ૧.૯૨ રહેવાની શક્યતા સૌથી વધુ જોવા મળી રહી છે. અગાઉ આ અંગે ૩.૬૮ સુધીના વધારાની અટકળો હતી, પરંતુ હવે સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટરમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ફિટમેન્ટ ફેક્ટર કર્મચારીઓના મૂળ પગારને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સરકાર દ્વારા ૮મા પગાર પંચને ભલે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે કર્મચારીઓને તે જ સમયથી વધેલો પગાર મળવા લાગશે. ભલે ૮મા પગાર પંચની અમલીકરણની તારીખ ૨૦૨૬ હોય, પરંતુ વાસ્તવિક પગાર વધારો સંભવતઃ વર્ષ ૨૦૨૭માં જ જોવા મળશે.
હવે કર્મચારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભલામણો મોડી લાગુ થવાની સ્થિતિમાં શું તેમને એરિયર (પાછલા સમયનો પગાર તફાવત) મળશે? આ પ્રશ્નનો જવાબ હાલમાં અસ્પષ્ટ છે, પરંતુ એવી સંભાવના છે કે સરકાર અને પગાર પંચની ભલામણોના આધારે આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો ભલામણો ૨૦૨૭માં આવે છે અને તેને ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલી ગણવામાં આવે છે, તો કર્મચારીઓને એક વર્ષનું એરિયર મળવાની શક્યતા નકારી શકાય નહીં.
દરમિયાન, કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનો દ્વારા સરકાર પર સતત દબાણ બનાવવામાં આવી રહ્યું છે કે આયોગની રચના પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે અને ટર્મ્સ ઓફ રેફરન્સને તાત્કાલિક અંતિમ રૂપ આપવામાં આવે. આ ઉપરાંત, કર્મચારી સંગઠનો એવી પણ માંગ કરી રહ્યા છે કે ૮મા પગાર પંચની ભલામણો ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી જ લાગુ કરવામાં આવે અને જો વિલંબ થાય તો કર્મચારીઓને તેનું એરિયર પણ ચૂકવવામાં આવે.
આમ, ૮મા પગાર પંચ અંગેનું નવીનતમ અપડેટ એ જ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓએ હજુ થોડી વધુ રાહ જોવી પડશે. ટર્મ્સ ઓફ રેફરન્સ તૈયાર થયા બાદ જ આયોગની રચના થશે અને ત્યારબાદ ભલામણો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થશે. જો બધું નિર્ધારિત સમય પ્રમાણે થયું તો કર્મચારીઓને વર્ષ ૨૦૨૭થી નવા પગારનો લાભ મળી શકે છે. જો કે, કર્મચારીઓ એવી આશા ચોક્કસ રાખી શકે છે કે સરકાર ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલની તારીખ ગણીને તેમને એરિયરનો લાભ આપી શકે છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
