<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ચારધામ યાત્રાળુઓની સંખ્‍યામાં ૩૧ ટકાનો ઘટાડો

ભારત-પાકિસ્‍તાન તણાવને કારણે : ૩૦ એપ્રિલથી ૧૩ મે ૨૦૨૫ દરમિયાન ફક્‍ત ૬,૬૨,૪૪૬ યાત્રાળુઓ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામ પહોંચ્‍યા હતાઃ ગયા વર્ષે ૧૦ મે થી ૨૩ મે ૨૦૨૪ ના સમાન સમયગાળામાં આ સંખ્‍યા ૯,૬૧,૩૦૨ હતી

દહેરાદૂન તા.૧૬: ભારત-પાકિસ્‍તાન વચ્‍ચે તણાવને કારણે ચારધામ યાત્રામાં ૩૧%નો મોટો ઘટાડો થયો છે, યાત્રાળુઓની સંખ્‍યામાં ૩ લાખનો ઘટાડો થયો છે, એસડીસી રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્‍યા છે. ઉત્તરાખંડની પ્રસિદ્ધ ચારધામ યાત્રા આ વર્ષે મુશ્‍કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધેલા તણાવની અસર આ પવિત્ર યાત્રા પર સ્‍પષ્ટપણે દેખાઈ રહી છે. તાજેતરના અહેવાલ મુજબ આ વર્ષે યાત્રાળુઓની સંખ્‍યામાં ૩૧ ટકાનો મોટો ઘટાડો થયો છે.

એસડીસી ફાઉન્‍ડેશનના અહેવાલ મુજબ ૩૦ એપ્રિલથી ૧૩ મે ૨૦૨૫ દરમિયાન ફક્‍ત ૬,૬૨,૪૪૬ યાત્રાળુઓ કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામ પહોંચ્‍યા હતા. ગયા વર્ષે ૧૦ મે થી ૨૩ મે ૨૦૨૪ ના સમાન સમયગાળામાં આ સંખ્‍યા ૯,૬૧,૩૦૨ હતી. આ રીતે આ વર્ષે લગભગ ૨,૯૮,૮૫૬ ઓછા મુસાફરો આવ્‍યા, જે લગભગ ત્રણ લાખનો ઘટાડો દર્શાવે છે.

દહેરાદૂન સ્‍થિત પર્યાવરણીય સંગઠન એસડીસી ફાઉન્‍ડેશનના વડાએ મીડિયાને જણાવ્‍યું હતું કે પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે વધેલો લશ્‍કરી તણાવ આ ઘટાડાનું મુખ્‍ય કારણ છે. તેમણે કહ્યું, ‘‘લોકોમાં યાત્રાને લઇ ડર અને અસુરક્ષાની ભાવના વધી છે, જેના કારણે તેમની યાત્રા કરવાની ઇચ્‍છા પર અસર પડી છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, દિલ્‍હી અને રાજસ્‍થાન જેવા રાજ્‍યોથી આવતા યાત્રાળુઓની સંખ્‍યામાં ભારે ઘટાડો જોવા મળ્‍યો છે.''

નૌટિયાલે મીડિયાને કહ્યું કે ચારધામ યાત્રામાં આંતરરાજ્‍ય અવરજવર અને સમૂહ યાત્રા મુખ્‍ય ભૂમિકા ભજવે છે, પરંતુ વર્તમાન પરિસ્‍થિતિએ તેના પર ખરાબ અસર કરી છે. જોકે તેમણે આશા વ્‍યક્‍ત કરી કે જો ભારત-પાકિસ્‍તાન સંબંધો સુધરશે તો યાત્રાની ગતિ ફરી વધી શકે છે. તેમણે કહ્યું, ‘‘ગયા વર્ષના આંકડા દર્શાવે છે કે યાત્રા માટે પીક સીઝન મે મહિનાના બીજા અઠવાડિયાથી જૂનના પહેલા અઠવાડિયા સુધી હોય છે.''

અનુપ નૌટિયાલે ઉત્તરાખંડ સરકારને ચારધામ યાત્રાને પાટા પર લાવવા માટે તાત્‍કાલિક પગલાં લેવાની અપીલ કરી છે. તેમણે સૂચન કર્યું કે સરકારે જિલ્લા વહીવટીતંત્ર, મંદિર સમિતિ, હોટેલિયર્સ, ખચ્‍ચર સેવા સંચાલકો, ટ્રાવેલ એજન્‍સીઓ, વેપારીઓના સંગઠન અને સ્‍થાનિક સંગઠનો સાથે બેઠકો યોજીને યાત્રા વ્‍યવસ્‍થામાં સુધારો કરવો જોઈએ.(૩૮.૮)

(10:06 AM IST)