<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન : ૪૮ કલાકમાં ૬ આતંકી ઠાર : આતંકવાદીઓની કમર તોડી નાખી

શોપિયાં અને ત્રાલમાં લશ્કર અને જૈશના આતંકીઓને ઠાર કરાયા : ૧૪ આતંકીઓની હિટલિસ્ટમાંથી ૬નો સફાયો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે સુરક્ષાદળોએ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. છેલ્લા ૪૮ કલાકમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ૬ આતંકીઓને ઠાર કરીને આતંકવાદીઓની કમર તોડી નાખી છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ આ સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી ૧૪ આતંકીઓની હિટલિસ્ટમાંથી અત્યાર સુધીમાં ૬ આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે.
સૌપ્રથમ, ૧૩ મેના રોજ શોપિયાંના કેલ્લરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ૩ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ શાહિદ કુટ્ટે, એહસાન શેખ અને અદનાન ડાર તરીકે થઈ છે, જે ત્રણેય શોપિયાંના જ રહેવાસી હતા. ત્યારબાદ, ૧૫ મેના રોજ ત્રાલમાં સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદના ૩ આતંકીઓને ખતમ કર્યા હતા, જેમાં જૈશનો કમાન્ડર આસિફ અહમદ શેખ અને સી કેટેગરીના બે આતંકી આમીર નઝીર વાની અને યાવર અહમદ ભટ્ટનો સમાવેશ થાય છે.
મેજર જનરલ ધનંજય જોશીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ૧૩મી તારીખે શોપિયાંમાં શંકાસ્પદ ગતિવિધિ દેખાતા અથડામણ થઈ હતી. ત્યારબાદ ત્રાલના એક ગામમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગામના લોકોને બચાવતા આ ઓપરેશન મુશ્કેલ હતું, પરંતુ સચોટ ગુપ્ત માહિતી અને સ્થાનિક લોકોની મદદથી શોપિયાં અને ત્રાલ બંને જગ્યાએ ઓપરેશન સફળ રહ્યા. ધનંજય જોશીએ વધુમાં કહ્યું કે અમે જમીન પર આતંકને ખતમ કરવાના અમારા પ્રયાસોમાં એકજૂથ છીએ અને આગામી સમયમાં પણ આવા ઓપરેશન ચાલુ રહેશે.

(1:54 PM IST)