<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ભાડૂઆત ચોક્કસ સમયગાળા બાદ મિલકત પર દાવો કરી શકે :જાણો કેટલા વર્ષ પછી લાગુ પડે : જાણો મહત્વનો નિયમ

આ એક એવો કાયદો છે જે સ્વતંત્રતા પહેલાંના સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ તેનો ઉપયોગ ચોક્કસ શરતો હેઠળ જ થઈ શકે

નવી દિલ્હી :ઘર કે ફ્લેટ ભાડે આપવું એ ઘણા લોકો માટે વધારાની આવકનું એક લોકપ્રિય સાધન બની ગયું છે. પરંતુ, શું તમે જાણો છો કે ભાડૂઆત લાંબા સમય સુધી તમારા ફ્લેટમાં રહે તો તે તેના પર હક્ક જમાવી શકે છે? ભારતીય કાયદામાં એક એવો નિયમ છે જે ભાડૂઆતને ચોક્કસ સમયગાળા બાદ મિલકત પર દાવો કરવાની સંભાવના આપે છે

ઘણીવાર લોકોને કામના કારણે પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં જવું પડે છે. કેટલીક વખત લોકો નાના શહેરને છોડીને મોટા શહેરમાં શિફ્ટ થાય છે, તો કેટલીક વખત લોકો એક મોટા શહેરમાંથી બીજા મોટા શહેરમાં જાય છે. નવા શહેરમાં જઈને લોકો સૌથી પહેલાં રહેવા માટે ઘર શોધે છે. નવા શહેરોમાં લોકો ભાડે રહેવાનું પસંદ કરે છે.

મોટા શહેરોમાં ઘણીવાર લોકો આવક મેળવવા માટે પોતાના ખાલી મકાનો ભાડે આપે છે. છેલ્લા કેટલાક સમયથી આ ખૂબ સામાન્ય બની ગયું છે. પરંતુ તમને જણાવી દઈએ કે, જો લાંબા સમય સુધી કોઈ તમારા મકાનમાં ભાડૂઆત તરીકે રહે છે, તો તે તમારા ફ્લેટ કે મકાન પર દાવો ઠોકી શકે છે.

જો કોઈ ભાડૂઆત સતત 12 વર્ષ સુધી કોઈ ખાનગી મિલકત (જેમ કે ફ્લેટ, મકાન)માં રહે અને તે દરમિયાન મકાનમાલિક તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી ન કરે, તો ભાડૂઆત તે મિલકત પર પ્રતિકૂળ કબજો (Adverse Possession) હેઠળ માલિકીનો દાવો કરી શકે છે. આ એક એવો કાયદો છે જે સ્વતંત્રતા પહેલાંના સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ તેનો ઉપયોગ ચોક્કસ શરતો હેઠળ જ થઈ શકે છે.

પરંતુ માત્ર દાવો કરવાથી જ ફ્લેટ કે મકાન ભાડૂઆતને મળી જશે નહીં. તેના માટે તેણે કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે, જેમ કે વીજળીનું બિલ, પાણીનું બિલ, મિલકત વેરાના કાગળો. જો આ બધા દસ્તાવેજો તેની પાસે હોય અને મકાનમાલિક તેનો વિરોધ ન કરી શકે, તો ભાડૂઆતનો ફ્લેટ કે મકાન પર કબજો થઈ શકે છે.

જો તમારા ફ્લેટ કે મકાનમાં કોઈ ભાડૂઆત ભાડા કરાર સાથે રહે છે, તો તે આવો દાવો નહીં કરી શકે. આ ઉપરાંત તમારે ભાડૂઆતના નામે ન તો પાણીનું બિલ કરાવવું જોઈએ કે ન તો વીજળીનું બિલ (કોર્પોરેશન અને GEBમાં તમારું જ નામ હોવું જોઈએ.) જો તમને લાગે કે તમારા ભાડૂઆતનું વર્તન યોગ્ય નથી, તો તમે તેને તમારો ફ્લેટ કે ઘર ખાલી કરવા માટે કહી શકો છો. આ માટે તમે તેને નોટિસ આપી શકો છો. જો તમે આ બાબતોનું ધ્યાન નહીં રાખો, તો તમે તમારો ફ્લેટ કે ઘરમાંથી હાથ ધોઈ બેસસો.

ઘણા મકાનમાલિકો ભાડૂઆતને ફ્લેટ કે મકાન આપ્યા બાદ નિયમિત દેખરેખ નથી રાખતા. આ ઉપરાંત, ઘણી વખત ભાડા કરાર યોગ્ય રીતે નથી બનાવવામાં આવતો અથવા તેને રિન્યુ નથી કરવામાં આવતો. આવી પરિસ્થિતિમાં જો ભાડૂઆત વર્ષો સુધી ફ્લેટમાં રહે અને મકાનમાલિક તેની સામે કોઈ પગલાં ન લે, તો ભાડૂઆત કાયદેસર રીતે મિલકત પર દાવો કરવાનો પ્રયાસ કરી શકે છે.

(2:05 PM IST)