<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

હજુ તો ટ્રેલર બતાડયું; યોગ્‍ય સમયે આખી ફિલ્‍મ બતાડીશુ

કચ્‍છમાં કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ‘‘સિંહ'' ગર્જના... : ભૂજ એરફોર્સ સ્‍ટેશનની મુલાકાત લીધી : જયાં ડ્રોન હુમલાને નિષ્‍ફળ બનાવાયા હતા : ઓપરેશન સિંદુર હજુ ચાલુ જ છે : સિંદુર શ્રૃંગારની સાથે શૌર્યનું પણ પ્રતિક : રાજનાથસિંહ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૬: ‘‘હજુ તો પાકિસ્‍તાનને ટ્રેલર બતાડયું છે, યોગ્‍ય સમયે આખી ફિલ્‍મ બતાડીશુ તેમ કેન્‍દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કચ્‍છની મુલાકાત દરમિયાન સિંહ ગર્જના કરી હતી.

કેન્‍દ્રીય મંત્રી રાજનાથસિંહે વધુમાં કહ્યુ઼ કે, ‘‘ઓપરેશન સિંદુર'' હજુ ચાલુ જ છે. સિંદુર એ શ્રૃંગારની સાથો સાથે શૌર્યનું પણ પ્રતિક છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે કચ્‍છના પ્રવાસે આવ્‍યા હતા. સવારે ભુજ એરફોર્સ સ્‍ટેશનની મુલાકાત લઈ તેમણે કચ્‍છ સરહદે ફરજ બજાવતા આર્મી, બીએસએફ, કોસ્‍ટગાર્ડ અને એરફોર્સ એમ સેનાના ત્રણેય પાંખના જવાનો સાથે મળી તેમના શૌર્ય અને સાહસને બિરદાવી અભિનંદન આપ્‍યા હતા. દેશના સરંક્ષણ મંત્રીએ સેનાના જવાનોને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, હું તમને અભિનંદન આપવા આવ્‍યો છું. તમે ઓપરેશન સિંદૂરમાં ચમત્‍કારિક કામ કર્યું છે. તમે ભારતને ગર્વનો અનુભવ કરાવ્‍યો છે. હું સૌ સૈનિકોને સલામ કરું છું. મને તમારા બધાની વચ્‍ચે રહીને ગર્વ થાય છે. ભુજ ૧૯૬૫ અને ૧૯૭૧ ના યુદ્ધોમાં આપણી જીતનું સાક્ષી રહ્યું છે અને આજે પણ ભુજ ઓપરેશન સિંદૂરની સફળતાનું રહ્યું છે. રાજનાથસિંહે વધુમાં જણાવ્‍યું હતું કે, હાલના પાકિસ્‍તાન સાથેના તણાવ વચ્‍ચે સમગ્ર દુનિયાએ ભારતની તાકાત જોઇ છે, મને દેશના જવાનો પ્રત્‍યે ગર્વ છે. આજે ભારત માત્ર વિદેશમાંથી ઈમ્‍પોર્ટ કરેલાં હથિયાર પર નિર્ભર નથી, બ્રહ્મોસ મિસાઈલની તાકાતને પાકિસ્‍તાને જોઈ લીધી છે. ભારત રક્ષા ક્ષેત્રના શષાોમાં આત્‍મનિર્ભર બન્‍યું છે.

રાજનાથસિંહે જણાવ્‍યું હતું કે, ગઇકાલે હું શ્રીનગરમાં સેનાના જવાનોને મળ્‍યો હતો અને આજે ભુજમાં તમને સૌ ને મળ્‍યો, મને ગૌરવની લાગણી થઈ રહી છે. ઓપરેશન સિંદૂરનું નામ આપણા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ આપ્‍યું હતું. આ ઓપરેશનમાં તમે લોકોએ જે કર્યું એ કાબિલેદાદ છે. આતંકવાદ વિરૂદ્ધ ભારતે ચલાવેલા આ અભિયાનનું નેતળત્‍વ એરફોર્સએ કર્યું છે. ભારતે ધોળે દિવસે પાકિસ્‍તાનને તારા દેખાડ્‍યા છે. હું તમામ જવાનોને અભિનંદન આપુ છું. ઓપરેશન સિંદૂર દરમિયાન જવાનોએ પરાક્રમ જ નથી દેખાડ્‍યું પણ દુનિયાને પ્રમાણ પણ આપ્‍યું છે કે, હવે આ જૂનું નહીં નવું ભારત છે.

રક્ષામંત્રીએ જવાનોને સંબોધન કરતા વધુમાં જણાવ્‍યું હતું કે, તમે પાકિસ્‍તાનની અંદર મિસાઇલો છોડી છે, આખી દુનિયાએ તેનો પડઘો સાંભળ્‍યો. તમારી બહાદુરીનો, ભારતના સૈનિકોના બહાદુરીનો એ પડઘાનો અવાજ આખી દુનિયા સુધી પહોંચ્‍યો છે. હાલના પાકિસ્‍તાન સાથેના તણાવ દરમ્‍યાન ભારતીય વાયુસેનાએ અસરકારક ભૂમિકા ભજવી હતી, જેની વિશ્વના અન્‍ય દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે. આતંકવાદ સામેની આ ઝુંબેશનું નેતળત્‍વ વાયુસેના દ્વારા કરવામાં આવ્‍યું હતું, જે એક એવું આકાશ દળ છે જેણે પોતાની બહાદુરી અને બહાદુરીથી નવી ઊંચાઈઓ સ્‍પર્શી છે.

રાજનાથેસિહે પાકિસ્‍તાનને આડે હાથ લેતા જણાવ્‍યું હતું કે, પાકિસ્‍તાન ફરીથી તેના નાશ પામેલા આતંકવાદી માળખાને ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાક સરકાર મસૂદ અઝહરને ૧૪ કરોડ રૂપિયા આપવા જઈ રહી છે, જે પાકિસ્‍તાની નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતો ટેક્‍સ છે. મારું માનવું છે કે પાકિસ્‍તાન આંતરરાષ્‍ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા આપવામાં આવેલા નાણાંનો ઉપયોગ આતંકવાદી માળખાના નિર્માણ માટે કરશે. શું આ આતંકવાદી ભંડોળ નથી? આઈએમએફએ પાકિસ્‍તાનને નાણાકીય ભંડોળ આપવાનું ટાળવું જોઈએ અને ભવિષ્‍યમાં આવા કોઈપણ ભંડોળ પર પણ વિચાર કરવો જોઈએ. અમે નથી ઇચ્‍છતા કે પાકિસ્‍તાનને પ્રત્‍યક્ષ કે પરોક્ષ ભંડોળ આપવામાં આવે.(૯.૩૦)

પાકિસ્‍તાન સાથે અગાઉના બે યુદ્ધની જેમ આ વખતે પણ ભુજ ભારતની સફળતાનું સાક્ષી બન્‍યું છેઃરાજનાથસિંહ

પાકિસ્‍તાનને અપાયેલ નાણાકીય ભંડોળ આતંકવાદને પ્રોત્‍સાહનરૂપ છે ભારતનો તેની સામે વિરોધ છે, પહેલગામની ઘટના બાદ ભારતના સૈન્‍યની બહાદુરીનો પડઘો અને તાકાત સમગ્ર દુનિયાએ જોઈ

(5:23 PM IST)