<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

ઓપરેશન સિંદૂરથી ઉત્સાહિત મોદી સરકાર સેનાને વધુ સક્ષમ બનાવશે : ૫૦ હજાર કરોડનું વધારાનું સુરક્ષા બજેટ મંજૂર

સરહદ પાર કર્યા વિના ૯ આતંકવાદી ઠેકાણાંનો નાશ : ‘મેડ ઇન ઇન્ડિયા’ શસ્ત્રોની તાકાત દુનિયાએ જોઈ : સંરક્ષણ બજેટમાં ત્રણ ગણો વધારો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો સફળતાપૂર્વક નાશ કરનારા ઓપરેશન સિંદૂરથી મોદી સરકાર અત્યંત ખુશ છે અને હવે દેશની સેનાને વધુ સક્ષમ બનાવવા માટે સંરક્ષણ બજેટને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ ક્ષેત્ર માટે નવા શસ્ત્રો, દારૂગોળો અને અદ્યતન ટેકનોલોજીની ખરીદી માટે વધારાના ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની રકમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સંસદના આગામી શિયાળુ સત્રમાં આ પ્રસ્તાવને મંજૂરી મળવાની શક્યતા છે. આ વધારાના બજેટ દ્વારા સશસ્ત્ર દળોની તાત્કાલિક જરૂરિયાતો, જરૂરી ખરીદીઓ અને સંશોધન અને વિકાસ (R&D) માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવશે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે રેકોર્ડ રૂ. ૬.૮૧ લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે પાછલા વર્ષની સરખામણીમાં ૯.૫૩% નો વધારો દર્શાવે છે. વર્તમાન NDA સરકારના છેલ્લા ૧૦ વર્ષોમાં સંરક્ષણ બજેટમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં આ બજેટ રૂ. ૨.૨૯ લાખ કરોડ હતું, જે હવે વધીને રૂ. ૬.૮૧ લાખ કરોડ થયું છે અને આ કુલ બજેટના ૧૩.૪૫% છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે સરહદ પાર કર્યા વિના પાકિસ્તાનની અંદર ૯ આતંકવાદી છાવણીઓનો સફળતાપૂર્વક નાશ કર્યો હતો, જેણે સમગ્ર વિશ્વમાં ભારતીય સેનાની ક્ષમતાઓનો પરચો આપ્યો હતો. ભારતની અત્યાધુનિક બહુ-સ્તરીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓને લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યા હતા. આ પ્રણાલીમાં રશિયન S-400, ઇઝરાયલી બરાક-૮ અને સ્વદેશી આકાશ મિસાઇલ જેવી અદ્યતન સિસ્ટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પેચોરા, ઓસા-એકે અને એલએલએડી ગન સિસ્ટમ જેવી ઘાતક પ્રણાલીઓ પણ તૈનાત કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ મેના રોજ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, "આ ઓપરેશન દરમિયાન સમગ્ર વિશ્વએ આપણા દેશમાં બનેલા શસ્ત્રોની વિશ્વસનીયતા જોઈ. હવે દુનિયા પણ સ્વીકારી રહી છે કે ૨૧મી સદીના યુદ્ધમાં 'મેડ-ઇન-ઇન્ડિયા' સંરક્ષણ સાધનોના યુગનો આરંભ થઈ ચૂક્યો છે." સરકારના આ પગલાથી ભારતીય સેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થશે અને દેશની સુરક્ષા વધુ મજબૂત બનશે તેવું માનવામાં આવી રહ્યું છે.

 

(5:36 PM IST)