<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

પાકિસ્તાનમાં જળ સંકટની સાથે વીજ સંકટનું પણ જોખમ! સિંધુ જળ સંધિ સ્થગિત થતાં ભારતની 'વોટર સ્ટ્રાઈક' બાદ હવે 'પાવર શોક' આપવાની તૈયારી

પાકિસ્તાનની કૃષિ અને વીજ ઉત્પાદન સિંધુ નદીના પાણી પર નિર્ભર, ભારત દ્વારા પાણી રોકવાની યોજનાથી પાકિસ્તાનમાં ભયનો માહોલ : જમ્મુ-કાશ્મીરમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ વધારીને ભારત પાકિસ્તાનને વીજળી માટે પણ તરસાવશે

નવી દિલ્હી: સિંધુ જળ સંધિને ભારત દ્વારા સ્થગિત કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનની ૮૦ ટકા ખેતી સિંધુ નદીના પાણી પર નિર્ભર છે અને ભારત દ્વારા સિંધુ પ્રોજેક્ટ હેઠળ પાણી રોકવાની તૈયારીથી ત્યાંના લોકોમાં ભયનો માહોલ છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદથી ચિનાબ, ઝેલમ અને સિંધુ નદીઓ પર ચાલતા પ્રોજેક્ટ્સની કામગીરી ઝડપી કરવામાં આવી છે. આ ક્ષેત્રના મુખ્ય પ્રોજેક્ટ્સમાંનો એક ચિનાબ નદી પર રણબીર ડેમની લંબાઈને બમણી કરીને ૧૨૦ કિલોમીટર કરવાનો છે. આ નદીનું પાણી ભારતના કૃષિ ક્ષેત્રમાંથી પસાર થઈને પાકિસ્તાનના પંજાબ સુધી જાય છે.
અહેવાલ અનુસાર, જ્યારે ભારત તેનો પ્રોજેક્ટ પૂર્ણ કરશે, ત્યારે તે પ્રતિ સેકન્ડ ૧૫૦ ક્યુબિક મીટર પાણીને વાળવાની ક્ષમતા ધરાવશે, જ્યારે હાલમાં તે માત્ર ૪૦ ક્યુબિક મીટર પાણી જ વાળે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે નેશનલ એસેમ્બલીમાં જણાવ્યું હતું કે તેમની સરકારે ભારતને પત્ર લખીને સિંધુ જળ સંધિ પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. તેમણે તેમના સાંસદોને જણાવ્યું હતું કે ભારતનું આ પગલું ગેરકાયદેસર છે.
વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના જળ સુરક્ષા નિષ્ણાત ડેવિડ મિશેલે જણાવ્યું હતું કે ભારતને ડેમ, નહેરો અથવા અન્ય માળખાં બનાવવા માટે સમય લાગશે. જો કે, તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે પાકિસ્તાનને એ વાતનો અંદાજ આવી ગયો છે કે ભારત તરફથી તેને કેવા પ્રકારના દબાણનો સામનો કરવો પડી શકે છે.
રણબીર નહેરના વિસ્તરણની યોજનાની સાથે સાથે ભારત એવા પ્રોજેક્ટ્સ પર પણ વિચાર કરી રહ્યું છે, જેનાથી પાકિસ્તાનને ફાળવવામાં આવેલી નદીઓમાંથી પાણીનો પ્રવાહ ઘટી જશે. જેના કારણે પાકિસ્તાનને પોતાની વીજળી ઉત્પન્ન કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
અહેવાલ અનુસાર, ભારતે જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટની એક યાદી બનાવી છે, જેનાથી વીજળી ઉત્પાદન ૩,૩૬૦ મેગાવોટથી વધીને ૧૨,૦૦૦ મેગાવોટ સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ્સમાં એવા ડેમ પણ સામેલ છે જે મોટી માત્રામાં પાણી જમા કરી શકે છે, જે સિંધુ નદી પ્રણાલીમાં ભારત માટે પહેલીવાર હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યું છે કે પાણી અને લોહી સાથે ન વહી શકે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે મંગળવારે (૧૩ મે ૨૦૨૫) જણાવ્યું હતું કે ભારત સિંધુ જળ સંધિને ત્યાં સુધી સ્થગિત રાખશે, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સમર્થન કરવાનું બંધ ન કરે.

(6:30 PM IST)