News of Friday, 16th May 2025
નશામાં ધૂત યુવકની ક્રૂરતા : પત્નીને નિર્દયતાથી માર માર્યો પછી છત પરથી ઊંધી લટકાવી દીધી
ચીસો સાંભળીને વિસ્તારના લોકો ઘટનાસ્થળે પહોંચી સમયસર મહિલાને પકડી લીધી : આરોપી પત્નીને છોડીને ચાલ્યો ગયો : પીડિત મહિલાના ભાઈએ પતિ સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

બરેલીના આવલા શહેરમાંથી એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકે તેની પત્નીને નિર્દયતાથી ન માત્ર માર માર્યો પરંતુ તેને છત પરથી ઊંધી લટકાવી દીધી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ કેસમાં પીડિતાના ભાઈએ પતિ સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બરેલીના આવલા ગામમાં નશામાં ધૂત યુવકે ક્રૂરતાની હદ વટાવી દીધી. તેણે પહેલા તેની પત્નીને નિર્દયતાથી માર માર્યો, પછી તેને છત પરથી ઊંધી લટકાવી દીધી હતી. તેની ચીસો સાંભળીને વિસ્તારના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા. આ દરમિયાન, આરોપી પત્નીને છોડીને ચાલ્યો ગયો. સદભાગ્યવશ લોકોએ સમયસર મહિલાને પકડી લીધી. જોકે, મારપીટને કારણે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. પીડિત મહિલાના ભાઈએ પતિ સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપી ઘરેથી ભાગી ગયો છે.
બદાઉનના વઝીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી રઘુનાથ સિંહે રિપોર્ટમાં જણાવ્યું છે કે, તેણે 12 વર્ષ પહેલા તેની બહેન ડોલીના લગ્ન આવલાના લથૈતા મોહલ્લાના રહેવાસી નીતિન સિંહ સાથે કર્યા હતા. તેણે જણાવ્યું કે નીતિન દારૂ પીવાનો વ્યસની છે. તે રોજ દારૂ પીને ઘરે આવે છે. તે ડોલીને માર મારે છે. તેના માતા-પિતાએ તેને ઘણી વાર સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેની હરકતો બંધ કરી નહોતી.
રઘુનાથ સિંહે આરોપ લગાવ્યો કે, 13 મેની રાત્રે લગભગ 10 વાગ્યે નીતિન સિંહે ડોલીને બેરહેમીથી માર માર્યો હતો. પછી તેને છત પરથી ઊંધી લટકાવી દીધી હતી. પછી તેને મારી નાખવાના ઇરાદાથી છોડી દીધી હતી. સદનસીબે, વિસ્તારના લોકોએ સમયસર ડોલીની બુમાબુમ સાંભળીને ત્યાં પહોંચીને તેને નીચે ઉતારી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસે આરોપી પતિ નીતિન કુમાર, અમિત કુમાર અને બે મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે જણાવ્યું કે, ફરિયાદ નોંધાઈ છે. આરોપીને પકડવા માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે
ઘટના દરમિયાન, એક પાડોશીએ આખી ઘટનાનો વીડિયો બનાવ્યો. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આરોપી તેની પત્નીને છત પરથી ઊંધી લટકાવીને નીચે પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. મહિલા ચીસો પાડી રહી છે. વિસ્તારના લોકોએ કહ્યું કે જો સમયસર મદદ ન મળી હોત તો મહિલાનું મૃત્યું પણ થયું હતું.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
