<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

મુંબઈ એરપોર્ટ અને તાજ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન તપાસ શરૂ

અફઝલ ગુરુ અને સૈવક્કુ શંકરને ફાંસીનો ઉલ્લેખ કરતો ધમકીભર્યો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ : સમગ્ર મુંબઈમાં સુરક્ષા વધારાઈ : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ મુંબઈ એરપોર્ટથી બે ફરાર આતંકવાદીઓને પકડ્યા

 

 

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને પ્રસિદ્ધ તાજમહલ પેલેસ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ અને હોટલના સ્ટાફને ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે, જેમાં આતંકવાદી અફઝલ ગુરુ અને સૈવક્કુ શંકરને અન્યાયી રીતે ફાંસી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધમકીભર્યો ઈમેલ મળતાની સાથે જ મુંબઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને એરપોર્ટ તેમજ તાજ હોટલના દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે બંને સ્થળોને ખાલી કરાવવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, ધમકીભર્યા ઈમેલમાં તાજમહલ પેલેસ હોટલ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો દાવો કરવામાં આવ્યો છે. મેલમાં અફઝલ ગુરુ અને સૈવક્કુ શંકરને ફાંસી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરીને બદલો લેવાની વાત કરવામાં આવી છે.
આ ધમકીને પગલે મુંબઈ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સમગ્ર મુંબઈ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દેવામાં આવી છે અને દરેક સંવેદનશીલ સ્થળો પર પોલીસ અને પેરામિલિટરી ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. શહેરભરમાં સઘન ચેકિંગ ઓપરેશન પણ ચાલી રહ્યું છે.
દરમિયાન, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ આજે સવારે મુંબઈ એરપોર્ટથી બે ફરાર આતંકવાદીઓને પકડ્યા છે. આ બંને આતંકવાદી પુણેમાં ISISના સ્લીપર સેલના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમની ઓળખ અબ્દુલ્લા ફૈયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન તરીકે થઈ છે. બાતમી મળતા જ NIAએ કાર્યવાહી કરીને બંનેને એરપોર્ટના ટર્મિનલ-૨થી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી શંકાસ્પદ સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. NIAના જણાવ્યા અનુસાર, આ બંને આતંકવાદીઓ ઇન્ડોનેશિયાના જકાર્તાથી ભારત આવી રહ્યા હતા અને સુરક્ષા એજન્સીઓની નજર ચૂકવીને એરપોર્ટથી ભાગવાની કોશિશ કરી રહ્યા હતા. તેઓ છેલ્લા બે વર્ષથી ફરાર હતા અને NIAની વિશેષ અદાલતે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. બંને પર ત્રણ-ત્રણ લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું.
હાલમાં પોલીસ ધમકીભર્યા ઈમેલની તપાસ કરી રહી છે અને આતંકવાદી કનેક્શનની શક્યતાઓને પણ ચકાસી રહી છે. એરપોર્ટ અને હોટલ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે અને મુસાફરો તેમજ હોટલના મહેમાનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

(1:13 PM IST)