<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

દિલ્હી-NCRમાં અચાનક પલટાયુ હવામાન : ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ : ગરમીથી રાહત

સખત તડકા બાદ આકાશમાં કાળા વાદળો ઘેરાયા અને વરસાદ શરૂ થતાં દિલ્હી-NCRના વાતાવરણમાં ઠંડક પ્રસરી : તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો : નોઈડામાં તોફાન સાથે કરા પડ્યા

 

 

નવી દિલ્હી: દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આજે અચાનક હવામાને પલટો માર્યો હતો. સવારથી પડી રહેલા તીવ્ર તડકા બાદ બપોરના સમયે આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. આ અણધાર્યા વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટથી ઘણી રાહત મળી હતી.
હવામાનમાં આવેલા આ બદલાવને કારણે દિલ્હી-NCRના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં તો કરા પણ પડ્યા હતા, જેના કારણે રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને નોઈડા અને તેની આસપાસના વિસ્તારોમાં તેજ આંધી સાથે ભારે વરસાદ પડ્યો હતો.
અગાઉ દિલ્હી-NCRના લોકો છેલ્લા કેટલાક દિવસોથી તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા હતા. આજે અચાનક વાતાવરણમાં આવેલા આ બદલાવથી લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. વરસાદના કારણે વાતાવરણમાં તાજગી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં પણ દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

(3:29 PM IST)