<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

કંપનીને બમ્‍પર નફો થતાં હવે કર્મચારીઓને બોનસ સ્‍વરૂપે આપશે સાત મહિનાનો પગાર

શેઠે તો દિલ જીતી લીધું! : એક તરફ ખાનગી કંપનીઓ બમ્‍પર નફો થવા છતાં પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં કંજૂસાઈ કરે છે, તો બીજી બાજુ સિંગાપોરની એક કંપનીએ તમામ કર્મચારીઓને ૭ મહિનાના પગાર જેટલું બોનસ આપવાની જાહેરાત કરી છે

નવી દિલ્‍હી,તા.૧૭: એક તરફ ખાનગી કંપનીઓ બમ્‍પર નફો થવા છતાં પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં કંજૂસાઈ કરે છે, તો બીજી બાજુ સિંગાપોરની એક કંપનીએ તમામ કર્મચારીઓને ૭ મહિનાના પગાર જેટલું બોનસ આપવાની જાહેરાત કરી છે. ગત નાણાકીય વર્ષમાં કંપનીને બમ્‍પર નફો થતાં કંપનીએ કર્મચારીઓને રાજી કરી દીધા છે. કંપનીનું કહેવું છે કે તેના કર્મચારીઓની મહેનતના કારણે જ આટલો નફો થયો છે. તેથી કંપનીના નફામાં કર્મચારીઓને તેમનો હક મળવો જોઈએ.

સિંગાપોર એરલાઇન્‍સે પોતાના કર્મચારીઓને ૭.૪૫ મહિનાનું પ્રોફિટ-શેરિંગ બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ આખા વર્ષ દરમિયાન ૨.૭૮ અબજ ડોલર (આશરે ૨૬,૦૦૦ કરોડ રૂપિયા)નો ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો છે, જે માર્કેટ નિષ્‍ણાતોના અનુમાન કરતા પણ વધારે છે. આ બોનસ ગત વર્ષના ૭.૯૪ મહિનાના પગારની ચૂકવણી કરતાં થોડું ઓછું છે, પરંતુ તે કંપનીની સતત નફો કમાવવાની ક્ષમતા અને ૧૯.૫ અબજ ડોલરની રેકોર્ડ આવકને દર્શાવે છે.

કમાણીના સકારાત્‍મક પરિણામો આવ્‍યા હોવા છતાં એરલાઈન્‍સે એક સાવચેતીભર્યું વલણ અપનાવ્‍યું છે. તેમાં ચેતવણી આપી છે કે વૈશ્વિક વેપાર તણાવ, ખાસ કરીને અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની બદલાતી ટેરિફ નીતિઓથી ઉદ્ભવતા પડકારોને કારણે લોકો હવાઈ મુસાફરી ઘટાડી શકે છે. એરલાઈન્‍સે આર્થિક અને ભૂ-રાજનીતિક અનિヘતિતાઓને કારણે મુસાફરો અને કાર્ગો બજાર પર પડનારી અસરને લઈને પણ ચિંતા વ્‍યક્‍ત કરી છે.

સિંગાપોર એરલાઇન્‍સે ગત વર્ષે રેકોર્ડ ૩.૯૪ કરોડ મુસાફરોને યાત્રા કરાવી. આ એરલાઇન્‍સે એવિએશન સેક્‍ટરના મોટા ખેલાડીઓની સાથે પોતાનો પણ વિસ્‍તાર કર્યો છે. જોકે, એકવખતના લાભને બાદ કરતાં તેનો સમાયોજિત ચોખ્‍ખો નફો ૩૭%ઘટીને ૧.૭ અબજ ડોલર રહ્યો છે.

સિંગાપોર એરલાઇન્‍સના આ નફામાં ભારતીય કંપની એર ઇન્‍ડિયાનું પણ મોટું યોગદાન છે. ગત વર્ષે એર ઇન્‍ડિયા સાથે મર્જ થયેલી વિસ્‍તારામાં સિંગાપોર એરલાઇન્‍સનો લગભગ ૪૯ ટકા હિસ્‍સો છે. આ ગ્રુપની કમાણી વાર્ષિક ધોરણે ૨.૮%વધી છે. ઈ-કોમર્સના વધતા બજારને કારણે કાર્ગો સેવાઓની ડિમાન્‍ડ પણ વધી અને કાર્ગોમાંથી આવકમાં ૪.૪%નો વધારો થયો. જોકે, વધતી સ્‍પર્ધાને કારણે Freight rates ૭.૮% ઘટયા છે. ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીના ઓપરેશનલ નફા (ંperational profit) પર અસર પડી છે, જેના કારણે તેનો પરિચાલન નફો ૩૭% ઘટીને ૧.૭૧ અબજ ડોલર રહ્યો, કારણ કે મુસાફર દરો ૫.૫% ઘટયા છે.

(4:07 PM IST)