<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

અમેરિકામાં વિઝા સબંધિત સમય મર્યાદામાં નાની ભૂલ પણ મોટી મુશ્કેલી સર્જશે :ભારતીય દૂતાવાસે જારી કરી ચેતવણી

કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે: આમ કરનારા નાગરિકોને આજીવન અમેરિકામાં પ્રવેશવાથી પ્રતિબંધિત કરી શકાય છે

નવી દિલ્હી : દૂતાવાસે અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકોને ચેતવણી જારી કરી છે. દિલ્હી સ્થિત ભારતીય દૂતાવાસે પોતાના કડક નિવેદનમાં કહ્યું છે કે જે લોકો વિઝા પર આવ્યા છે તેઓએ તેમની નિર્ધારિત અવધિથી વધુ સમય રોકાવવો જોઈએ નહીં.

જો કોઈ વિઝા નિયમોનું ઉલ્લંઘન કરે છે અને નિર્ધારિત સમય કરતાં વધુ સમય અમેરિકામાં રહે છે તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આમ કરનારા નાગરિકોને આજીવન અમેરિકામાં પ્રવેશવાથી પ્રતિબંધિત કરી શકાય છે. દૂતાવાસે ટ્વિટર પર આ માહિતી આપી છે.

નવી દિલ્હી સ્થિત ભારતીય દૂતાવાસે પોસ્ટ પર લખ્યું કે જો તમે અમેરિકામાં તમારા રોકાણની મુદત કરતાં વધુ સમય રોકાઓ છો તો તમને દેશનિકાલ કરવામાં આવી શકે છે.' આ ઉપરાંત ભવિષ્યમાં તમને અમેરિકામાં પ્રવેશવાથી કાયમી ધોરણે પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. તેનો અર્થ એ કે જો તમે નિયમોનું ઉલ્લંઘન કરશો તો તમે ક્યારેય અમેરિકા જઈ શકશો નહીં.

આ ચેતવણી એવા બધા ભારતીયો માટે છે જેઓ અલગ અલગ વિઝા પર અમેરિકામાં છે. આમાં પ્રવાસી અને વિદ્યાર્થી વિઝા તેમજ વર્ક પરમિટનો સમાવેશ થાય છે.

અમેરિકામાં વિઝા પર રોકાણની એક નિશ્ચિત મર્યાદા છે. આ મર્યાદા I-94 ફોર્મ પર લખેલી છે. આ ફોર્મ અમેરિકામાં પ્રવેશ પર ઉપલબ્ધ છે. જો કોઈ વ્યક્તિ નિર્ધારિત મર્યાદા કરતાં એક દિવસ પણ વધુ રોકાય તો તેને કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જો કોઈ વ્યક્તિ વિઝાનો સમયગાળો વધારવા માંગતો હોય તો તેણે USCIS (યુનાઈટેડ સ્ટેટ્સ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ)નો સંપર્ક કરવો જોઈએ. આ સંસ્થા લોકોને અમેરિકામાં તેમના રોકાણને લંબાવવામાં મદદ કરી શકે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઇમિગ્રેશન અને વિઝા સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિઝા અને ઇમિગ્રેશન પર કડક નિયમો લાદ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારથી જ વિઝા નિયમો અને ઇમિગ્રેશન કડક બનાવવાની વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે ઝુંબેશ ચલાવી છે.

(7:55 PM IST)