<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

અમેરિકા : મેક્સિકન નેવીના તાલીમી જહાજની બ્રુકલિન બ્રિજ સાથે ભયાનક ટક્કર : બે ક્રૂ મેમ્બર્સના મોત : ૧૭ ઘાયલ

ન્યુયોર્કની સદ્ભાવના મુલાકાતે આવેલું વિશાળ જહાજ પાવર ગુમાવતા બ્રિજના રોડ ડેક સાથે અથડાયું : ૧૪૭ ફૂટ ઊંચા માસ્ટ તૂટી પડ્યા : અનેક નાવિકો લટકતા રહ્યા : દુર્ઘટનાને પગલે બચાવ કામગીરી ચાલુ

ન્યુયોર્ક: ન્યુયોર્કની સદ્ભાવના મુલાકાતે આવેલું મેક્સિકન નૌકાદળનું વિશાળ તાલીમી જહાજ કુઆહટેમોક શનિવારે મોડી રાત્રે બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હતું. આ દુર્ઘટનામાં બે ક્રૂ મેમ્બર્સના કરુણ મોત થયા છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ સહિત ૧૭ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જહાજમાં મોટાભાગે તાલીમી કેડેટ્સ સહિત ૨૭૭ લોકો સવાર હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આ જહાજ આઇસલેન્ડ જવા માટે ન્યુયોર્કથી રવાના થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાવર ગુમાવી બેઠું હતું. જેના કારણે નદીના પ્રવાહે જહાજને રાત્રે આશરે ૮:૩૦ વાગ્યે બ્રિજના રોડ ડેક તરફ ધકેલી દીધું હતું. બ્રિજની નીચેથી પસાર થતી વખતે જહાજના ૧૪૭ ફૂટ ઊંચા માસ્ટ બ્રિજની ૧૩૫ ફૂટની મર્યાદાને કારણે તૂટી પડ્યા હતા. આ ભયાનક ઘટનાના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં ક્રૂ મેમ્બર્સ તૂટેલા સઢ અને માસ્ટ પર લટકતા જોવા મળી રહ્યા છે.
બ્રુકલિન બ્રિજ પાર્કના એક સાક્ષી એલિજાહ વેસ્ટે જણાવ્યું હતું કે તેમણે નાવિકોને જહાજની ટોચ પર જોયા હતા અને જ્યારે સઢ બ્રિજ સાથે અથડાયા ત્યારે લોકો નીચે પડી રહ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક પોલીસ અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
અન્ય એક સાક્ષી ઇસ્મારી રોમેરોએ જણાવ્યું હતું કે જહાજની વિદાય સમયે આનંદનું વાતાવરણ હતું, પરંતુ ટક્કર બાદ ચીસો અને ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘણા રડી રહ્યા હતા.
નિવૃત્ત નેવી કેપ્ટન આલ્ફ્રેડ એસ. મેકલેરેને આ દુર્ઘટનાને અકલ્પનીય ગણાવી હતી. તેમણે કહ્યું કે પાવર ગુમાવ્યા બાદ જહાજ તણાઈ શકે છે, પરંતુ આવી સ્થિતિમાં એન્કર કેમ ન નાખવામાં આવ્યા તે એક મોટો પ્રશ્ન છે.
આ દુર્ઘટનાને પગલે બ્રુકલિન બ્રિજને થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને ફરીથી ખોલી દેવામાં આવ્યો છે. ક્ષતિગ્રસ્ત જહાજ હાલમાં મેનહટન બ્રિજ નજીક પિયર ૧૬ પર સ્થિર છે અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.
મેક્સિકોના રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઇનબામે ક્રૂ મેમ્બર્સના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મેક્સિકન નૌકાદળે પણ નિવેદન બહાર પાડીને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે. આ જહાજ આવતા વર્ષે યોજાનાર સેઇલ૪થ ટોલ શિપ ઇવેન્ટના પ્રમોશન માટે ન્યુયોર્ક આવ્યું હતું.

 

(7:16 PM IST)