<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

એક પરિવારના કેટલા લોકોનું આયુષ્માન કાર્ડ બની શકે :શું છે તેની પ્રક્રિયા: જાણી લો નિયમ

આયુષ્યમાન કાર્ડની મદદથી લાભાર્થીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવી શકે છે

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ આરોગ્ય વીમા યોજના છે, જે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે (ગુજરાત સરકારે 2022માં આયુષ્માન કાર્ડ હેઠળની સહાયની રકમ 10 લાખ રૂપિયા સુધી વધારી છે). આ યોજના હેઠળ આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે, જેની મદદથી લાભાર્થીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવી શકે છે. આ લેખમાં આપણે જાણીશું કે એક પરિવારના કેટલા લોકોનું આયુષ્માન કાર્ડ બની શકે છે, તેની પ્રક્રિયા શું છે અને આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકાય

આયુષ્માન ભારત યોજના હેઠળ, એક પરિવારના તમામ સભ્યો આયુષ્માન કાર્ડ માટે પાત્ર હોઈ શકે છે, જો તેમનું નામ સામાજિક-આર્થિક જાતિ ગણતરી (SECC-2011) ડેટાબેઝમાં નોંધાયેલું હોય અથવા તેઓ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (RSBY)નો ભાગ હોય. આ યોજનામાં પરિવારના કદ પર કોઈ ચોક્કસ મર્યાદા નથી, એટલે કે પરિવારના તમામ સભ્યો, જેમ કે માતા-પિતા, બાળકો, દાદા-દાદી વગેરે, આ કાર્ડ માટે અરજી કરી શકે છે, જો તેઓ પાત્રતા માપદંડો પૂર્ણ કરે.

વધુમાં, 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આવા વૃદ્ધો માટે અલગથી આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવામાં આવે છે, જેનો લાભ તેઓ પોતાના પરિવારના અન્ય સભ્યોથી સ્વતંત્ર રીતે લઈ શકે છે

આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવડાવું?
- નજીકના જન સેવા કેન્દ્ર (CSC) અથવા એમ્પેનલ્ડ હેલ્થ કેર પ્રોવાઇડર (EHCP) પર જાઓ.
- જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, એડ્રેસ પ્રૂફ, આવકનો દાખલો અને પરિવારના સભ્યોના આઈડી પ્રૂફ સાથે લઈ જાઓ.
- CSC સેન્ટરના સ્ટાફ દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી કરાયા બાદ તમારી અરજી મંજૂર કરવામાં આવશે.
- જે બાદ તમારું રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
- થોડા દિવસમાં કાર્ડ તૈયાર થયા બાદ તમને આપવામાં આવશે.

આ રીતે ચેક કરો કે તમે પાત્ર છો કે નહીં?
- પાત્રતા ચકાસવા માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/ પર જાવ.
- અહીં તમને ઘણા બધા વિકલ્પો દેખાશે, જેમાંથી તમારે 'Am I Eligible' વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારે અહીં તમારી કેટલીક વિગતો ભરવાની રહેશે, જેમ કે મોબાઇલ નંબર, રાજ્યનું નામ, જિલ્લાનું નામ, આધાર નંબર વગેરે.
- પછી બધું ભર્યા પછી તમને ખબર પડી જશે કે તમે આયુષ્માન કાર્ડ બનાવડાવા માટે પાત્ર છો કે નહીં.

(9:33 PM IST)