News of Monday, 19th May 2025
બ્રેક્ઝિટ બાદ યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે સંબંધોની નવી શરૂઆત : સુરક્ષા અને વેપાર કરાર પર સહમતિ
લંડનમાં નેતાઓની બેઠક બાદ બ્રિટિશ મંત્રીએ કરી જાહેરાત : યુરોપિયન યુનિયન સાથે નવો કરાર થયો : અમેરિકાએ યુરોપિયન સુરક્ષા માટે રસ ઓછો કરતાં સહકાર વધારવાની જરૂર પર ભાર

લંડન: બ્રિટન અને યુરોપિયન યુનિયન (ઈયુ) એ બ્રેક્ઝિટ પછીના સંબંધોને ફરીથી સુધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. બંને પક્ષો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવા અને બ્રેક્ઝિટના કારણે વેપારમાં આવેલી અડચણોને દૂર કરવા માટે એક કરાર પર સહમતિ સધાઈ છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકાએ યુરોપિયન સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતા ઘટાડવાનો સંકેત આપ્યો છે, જેના કારણે યુરોપિયન દેશો વચ્ચે સુરક્ષા સહયોગ વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે.
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે યુરોપિયન યુનિયન સાથેના સંબંધોને "ફરીથી સેટ" કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. લગભગ નવ વર્ષ પહેલાં બ્રિટનના લોકોએ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા માટે વોટિંગ કર્યું હતું. આ કરારને બ્રિટન માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ વાટાઘાટોમાં નજીકથી સંકળાયેલા એક વરિષ્ઠ બ્રિટિશ મંત્રી નિક થોમસ-સાયમન્ડ્સે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ એક "ઐતિહાસિક દિવસ" છે અને સરકારે યુરોપિયન યુનિયન સાથે નવો કરાર કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ કરાર રોજગારી માટે સારો છે, જેનાથી બિલ ઘટશે અને સરહદો મજબૂત થશે. તેમણે એમ પણ કહ્યું કે આનાથી બ્રિટન ફરીથી વિશ્વ મંચ પર આવશે.
જો કે, યુરોપિયન યુનિયન - બ્રિટનનું સૌથી મોટું વેપારી ભાગીદાર - સાથેનો આ કરાર ઘરેલું રાજકારણમાં વિવાદાસ્પદ છે અને તેમાં મહિનાઓ સુધી મુશ્કેલ વાટાઘાટો ચાલી હતી. વેપાર વાટાઘાટોમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો યુરોપિયન ટ્રૉલર્સને બ્રિટિશ જળવિસ્તારમાં માછીમારી કરવાનો અધિકાર આપવાનો હતો, જેના બદલામાં બ્રિટિશ ખાદ્ય ઉત્પાદનોને યુરોપિયન યુનિયનના વિશાળ સિંગલ ઇકોનોમિક ઝોનમાં પ્રવેશ માટે વેપાર અવરોધો ઘટાડવામાં આવે.
છેલ્લી ઘડી સુધી ચાલેલી ચર્ચા પછી, બંને પક્ષો સંમત થયા કે તેઓ યુરોપિયન બોટને ૩૦ જૂન, ૨૦૩૮ સુધી યુકેના માછીમારી જળવિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપશે. યુરોપના કેટલાક લોકો અનિશ્ચિત સમય માટે આ અધિકાર ઇચ્છતા હતા, જ્યારે બ્રિટને શરૂઆતમાં આ માટે લાંબો સમય આપવાનો વિરોધ કર્યો હતો. આ કરારને બ્રિટનના કેટલાક પ્રો-બ્રેક્ઝિટ અખબારોએ "શરણાગતિ" તરીકે ગણાવ્યો હતો.
યુરોપના બે મુખ્ય લશ્કરી શક્તિઓ પૈકીના એક તરીકે બ્રિટનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, યુરોપિયન યુનિયન લાંબા સમયથી બ્રિટન સાથે સુરક્ષા કરાર ઇચ્છતું હતું. જો કે, ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની આગેવાની હેઠળની સરકારે બ્રિટનના યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવાની વાટાઘાટો કરતી વખતે આ વિચારને નકારી કાઢ્યો હતો. યુક્રેન યુદ્ધ અને ડોનાલ્ડ ટ્રમ્પનું યુરોપિયન સુરક્ષા પ્રત્યેનું વલણ બદલાયું છે, જેના કારણે સહકાર વધારવાની તાકીદ વધી છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
