તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 19th May 2025
યુકો બેંકમાં ૬૨૧૦ કરોડનું મહાકૌભાંડ! કોણ છે સુબોધ કુમાર ગોયલ, જેણે આચર્યો ભ્રષ્ટાચારનો ખેલ?
પૂર્વ ચેરમેન અને એમડીની ED દ્વારા ધરપકડ : કોનકાસ્ટ સ્ટીલ સાથે મળીને શેલ કંપનીઓ દ્વારા લોનની હેરાફેરી : લાંચમાં મેળવી કરોડોની સંપત્તિ

નવી દિલ્હી: ભારતીય બેંકિંગ ક્ષેત્રમાં વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં સરકારી બેંક યુકો બેંક ભીંસમાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ યુકો બેંકના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુબોધ કુમાર ગોયલની ૬૨૧૦.૭૨ કરોડ રૂપિયાની લોન હેરાફેરીના કેસમાં ધરપકડ કરી છે. તેમની ધરપકડથી બેંકિંગ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને અનેક સવાલો ઊભા થયા છે.
સુબોધ કુમાર ગોયલ યુકો બેંકના ભૂતપૂર્વ સર્વોચ્ચ અધિકારી હતા અને તેમના કાર્યકાળ દરમિયાન બેંકમાં આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું તે આશ્ચર્યજનક છે. EDએ તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ૧૬ મે ૨૦૨૫ના રોજ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યા હતા. તેમના પર માત્ર લોનમાં હેરાફેરી જ નહીં, પરંતુ તેના બદલામાં લાંચ લેવાનો પણ ગંભીર આરોપ છે. તપાસમાં સામે આવ્યું છે કે તેમણે બેંકિંગ નિયમોને નેવે મૂકીને કોનકાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (CSPL)ને કરોડો રૂપિયાની લોન આપી હતી અને તેના બદલામાં મોટી રકમની લાંચ લીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુબોધ કુમાર ગોયલના કાર્યકાળ દરમિયાન યુકો બેંકે CSPL કંપનીને ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રેડિટ સુવિધાઓ આપી હતી. આ લોનની રકમને બાદમાં જાણી જોઈને ખોટી રીતે અન્યત્ર વાળવામાં આવી હતી અને તેનું ઉચાપત કરવામાં આવ્યું હતું. આ કૃત્ય માટે સુબોધ કુમારને ગેરકાયદેસર રીતે રોકડ રકમ, મોંઘી મિલકતો, લક્ઝરી વસ્તુઓ અને હોટેલ બુકિંગ જેવી અનેક સુવિધાઓ લાંચ તરીકે પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડને અંજામ આપવા માટે અનેક શેલ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે EDએ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે આ ગેરકાયદેસર વ્યવહારો સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા મળી આવ્યા હતા.
EDની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સુબોધ કુમારે CSPL કંપની સાથે મળીને એક જટિલ નેટવર્ક ઊભું કર્યું હતું, જેમાં અનેક શેલ કંપનીઓનો સમાવેશ થતો હતો. આ શેલ કંપનીઓનો ઉપયોગ લાંચની રકમને છુપાવવા અને તેને વિવિધ સ્વરૂપોમાં ફેરવવા માટે કરવામાં આવ્યો હતો. EDને સુબોધ કુમારના ઘરેથી એવી રકમ પણ મળી આવી છે, જે CSPL સાથે સીધો સંબંધ ધરાવે છે. તપાસમાં વધુ જાણવા મળ્યું છે કે ગોયલે લાંચના પૈસાને છુપાવવા માટે રિયલ એસ્ટેટ અને લક્ઝરી ગુડ્સ જેવી નકલી કંપનીઓમાં રોકાણ કર્યું હતું, તેમજ હોટેલ બુકિંગ જેવી સુવિધાઓનો પણ ઉપયોગ કર્યો હતો. જો કે, હવે તેમનો આ ભ્રષ્ટાચારનો ખેલ પૂરો થયો છે અને સત્ય સામે આવી ગયું છે. ED હવે આ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની પણ શોધખોળ ચાલુ છે. આ કૌભાંડથી યુકો બેંકની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચ્યું છે અને ગ્રાહકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
