<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

સાયબર ક્રાઈમ પર અંકુશ! કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત : હવે ઈ-ઝીરો FIR આપોઆપ બદલાઈ જશે FIRમાં

ટ્વીટ કરીને આપી માહિતી : નવી યોજનાથી સાયબર ગુનેગારોને પકડવામાં મળશે ઝડપ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે ટ્વીટ કરીને એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર અપરાધ સંકલન કેન્દ્ર (I4C)એ ગુનેગારોને ઝડપથી પકડવા માટે નવી ઈ-ઝીરો FIR પહેલ શરૂ કરી છે.
અમિત શાહે ટ્વીટમાં લખ્યું કે, દિલ્હી માટે પાઈલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવેલી આ નવી સિસ્ટમ NCRP અથવા 1930 પર નોંધાયેલા સાયબર નાણાકીય ગુનાઓને આપોઆપ FIRમાં બદલી નાખશે. શરૂઆતમાં 10 લાખ રૂપિયાથી વધુની મર્યાદાવાળા કેસોમાં આ સિસ્ટમ લાગુ થશે, જેથી સાયબર ગુનેગારોને પકડવા માટે ઝડપી તપાસ થઈ શકે. ટૂંક સમયમાં જ આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, મોદી સરકાર સાયબર-સુરક્ષિત ભારત બનાવવા માટે સાયબર સુરક્ષા ગ્રીડને મજબૂત કરી રહી છે. I4Cની સ્થાપના ગૃહ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં કરવામાં આવી છે, જેથી કાયદા અમલીકરણ એજન્સીઓને સંકલિત અને વ્યાપક રીતે સાયબર ગુનાઓનો સામનો કરવા માટે એક માળખું અને પરિસ્થિતિ તંત્ર પ્રદાન કરી શકાય. ગૃહમંત્રીએ કહ્યું કે, I4Cને દેશમાં સાયબર ગુનાઓ પર અંકુશ લગાવવા માટે નોડલ વિભાગ બનાવવામાં આવ્યો છે. આ વિભાગ સાયબર ગુનાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે છે.

(10:47 PM IST)