<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

અરબી સમુદ્રમાં ચક્રવાતનું એલર્ટ મહારાષ્ટ્ર-ગોવાના દરિયાકાંઠાને ભારે પવન અને ઊંચા મોજાની ચેતવણીઃ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના!

૨૧ થી ૨૪ મે દરમિયાન નીચા દબાણનો વિસ્‍તાર સક્રિય થવાની સંભાવનાઃમુંબઈ-રાયગઢ સહિતના વિસ્‍તારોમાં દરિયો તોફાની બનશેઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પરિસ્‍થિતિ પર ચાંપતી નજર

મુંબઈઃ ભારતીય હવામાન વિભાગ આઇએમડી દ્વારા અરબી સમુદ્રમાં સંભવિત ખરાબ હવામાનની સ્‍થિતિ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. ૨૧ મે થી ૨૪ મે દરમિયાન મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠા નજીક અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્‍તાર બનવાની શક્‍યતા છે, જે ધીમે ધીમે તીવ્ર બની શકે છે અને ઉત્તર તરફ આગળ વધી શકે છે. આ અંગેની માહિતી મહારાષ્ટ્રના મુખ્‍યમંત્રી કાર્યાલય સીએમઓ દ્વારા તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર શેર કરવામાં આવી છે.

આઇએમડી ના જણાવ્‍યા અનુસાર, ભલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારો પર કોઈ સીધો ખતરો ન હોય, તેમ છતાં હવામાન પ્રણાલીને કારણે દરિયો તોફાની અને અશાંત રહેવાની સંભાવના છે. આ હવામાન પ્રણાલીની અસર ખાસ કરીને ૨૨ મે થી ૨૪ મે દરમિયાન વધુ અનુભવાશે, જેમાં રાયગઢ, રત્‍નાગિરિ, મુંબઈ અને પાલઘર જેવા દરિયાકાંઠાના વિસ્‍તારો નજીક દરિયો ખૂબ જ તોફાની બની શકે છે.

આ ઉપરાંત, ઊંડા સમુદ્ર વિસ્‍તારોમાં તીવ્ર પવનો ફૂંકાવાની શક્‍યતા છે, જે નાની માછીમારી બોટ અને જહાજો માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.

આફત વ્‍યવસ્‍થાપન વિભાગ દ્વારા માછીમારો અને દરિયાકાંઠાના સમુદાયો માટે સલામતી સૂચનાઓનો સમૂહ જાહેર કરવામાં આવ્‍યો છે. આ સમયગાળા દરમિયાન ઊંડા સમુદ્રમાં ન જવાની સખત સલાહ આપી છે. માછીમારોને હવામાનની નવીનતમ માહિતીથી વાકેફ રહેવા અને સતાવાળાઓ તેમજ માછીમાર સહકારી મંડળીઓ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શનનું સખતપણે પાલન કરવા જણાવાયું છે.

 

(2:41 PM IST)