<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

ચીનના અધિકારીઓને હવે દારૂ નહીં, ફૂલ નહીં, વૈભવી ભોજન નહીં!

આર્થિક મંદી અને અમેરિકા સાથેના તણાવ વચ્‍ચે શી જિનપિંગે ‘પાર્ટી શિસ્‍ત'નો કોરડો વીંઝ્‍યોઃ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશની આડમાં સત્તા પર પકડ મજબૂત કરવાનો પ્રયાસ?

બીજિંગઃ દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા ચીન હાલ આર્થિક સંકટ અને વૈશ્વિક તણાવના ભરડામાં છે. આ સંજોગોમાં, ચીનની સત્તાધારી કમ્‍યુનિસ્‍ટ પાર્ટીના સુકાની શી જિનપિંગે સાદગી અપનાવો, બગાડ ટાળોનો નવો અને કડક મંત્ર ઉચ્‍ચાર્યો છે. પાર્ટીએ તેના અધિકારીઓને સરકારી ખર્ચાઓમાં કાપ મૂકવા અને કરકસરભર્યું જીવન જીવવાનું ફરમાન કર્યું છે, જેણે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ધ્‍યાન ખેંચ્‍યું છે. નવા નિયમો મુજબ, હવે સરકારી કાર્યક્રમો કે કામ સંબંધિત ભોજન સમારંભોમાં મોંઘો દારૂ, સિગારેટ કે વૈભવી ગોર્મેટ વાનગીઓ પીરસી શકાશે નહીં. એટલું જ નહીં, મહેમાનોને એરપોર્ટ પર વિદાય આપવાની પ્રોટોકોલ પણ બંધ કરવામાં આવ્‍યો છે, અને સરકારી કોન્‍ફરન્‍સમાં જોવા મળતી ભવ્‍ય ફૂલ સજાવટ પણ ભૂતકાળ બની જશે. સ્‍ટેટ કાઉન્‍સિલ (દેશની કેબિનેટ સમાન) દ્વારા જારી કરાયેલી આ માર્ગદર્શિકામાં, સરકારી ભંડોળનો ઉપયોગ મુસાફરીથી માંડીને ઓફિસ સ્‍પેસ સુધીના દરેક ખર્ચ માટે કાળજીપૂર્વક કરવાની સૂચના અપાઈ છે. જૂના ફર્નિચરને પણ શકય હોય ત્‍યાં સુધી વાપરવાનું કહેવાયું છે.

(3:31 PM IST)