<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

પત્નીની હત્યાના આરોપી ગુજરાતી યુવાન અમેરિકાની FBIની દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ

એપ્રિલ, 2015ના રોજ 34 વર્ષીય ભદ્રેશકુમાર પટેલે કથિત રીતે તેમની પત્ની પલક પટેલની હત્યા કરી હતી.

નવી દિલ્હી :વર્ષ 2015માં મેરીલેન્ડમાં પોતાની પત્નીની હત્યાનો આરોપી એક ગુજરાતી યુવક હજુ પણ ફરાર છે અને હવે તેને FBIની દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે 12મી એપ્રિલ, 2015ના રોજ 34 વર્ષીય ભદ્રેશકુમાર પટેલે કથિત રીતે તેમની પત્ની પલક પટેલની હત્યા કરી હતી.

આરોપીએ તેની પત્ની પર અનેક વખત હુમલો કર્યો હતો. જે આખરે તેમના મૃત્યુમાં પરિણમ્યું. હત્યા બાદથી પટેલ ફરાર છે. હત્યાના આઠ દિવસ પછી પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

ફેડરલ એજન્ટો અને કાઉન્ટી પોલીસ અધિકારીઓએ એક બેઠક યોજી અને નોંધ્યું કે ખૂનીને ભાગી ગયાને દસ વર્ષ થઈ ગયા છે. પોલીસે લોકોને ભદ્રેશકુમાર પટેલને શોધવામાં મદદ કરવા વિનંતી કરી. FBIના જણાવ્યા પ્રમાણે પટેલ પર હત્યા અને ઈજા પહોંચાડવાના ઈરાદાથી ખતરનાક હથિયાર રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

સીસીટીવી ફૂટેજમાં દંપતી રસોડા તરફ જતું અને પછી ગાયબ થતું દેખાતું હતું. એક ગ્રાહકને જ્યારે કોઈએ તેના ઓર્ડરનો જવાબ ન આપ્યો ત્યારે તેને શંકા ગઈ. એફબીઆઈના જણાવ્યા અનુસાર, રસોડામાં પલકનો મૃતદેહ મળ્યા બાદ તેણે પોલીસને જાણ કરી હતી. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ પલક પટેલ, જે તે સમયે 21 વર્ષની હતી તે ભારત જવા માંગતી હતી. તેના પતિએ વિરોધ કર્યો હતો. હત્યાના એક મહિના પહેલા તેનો વિઝા પણ સમાપ્ત થઈ ગયો હતો.

(12:18 AM IST)