અમેરિકાના ટેનેસીમાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા : ડીંગુચાના પરેશ પટેલ લૂંટનો ભોગ બન્યા
લૂંટના પ્રયાસ બાદ ફાયરિંગ : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ : ગુજરાતી સમુદાયમાં શોક અને ચિંતાનો માહોલ

ટેનેસી : અમેરિકામાં ગુજરાતી સમુદાય માટે ફરી એકવાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશ પટેલની અમેરિકાના ટેનેસી રાજ્યમાં સ્થિત એક સ્ટોરમાં લૂંટના પ્રયાસ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ગોઝારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, પરેશ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં વસવાટ કરતા હતા અને તેઓ એક સ્ટોરમાં કાર્યરત હતા. ઘટનાના દિવસે, એક અજાણ્યો શખ્સ ગ્રાહકના સ્વાંગમાં સ્ટોરમાં પ્રવેશ્યો. તેણે સૌ પ્રથમ પૈસા લૂંટવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ કોઈ કારણસર ફાયરિંગ કરીને પરેશ પટેલને ઠાર મારી દીધા.
આ હૃદયદ્રાવક ઘટના સ્ટોરમાં લાગેલા સુરક્ષા કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં આરોપીના હાવભાવ અને ફાયરિંગના દ્રશ્યો સ્પષ્ટપણે દેખાય છે. સ્થાનિક પોલીસ સીસીટીવીના આધારે આરોપીની ઓળખ કરવા અને તેને પકડવા માટે સઘન કામગીરી કરી રહી છે.
પરેશ પટેલના આકસ્મિક નિધનથી અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાયમાં શોક અને દુઃખની ગંભીર લાગણી ફેલાઈ છે. તેમના પરિવારજનો અને મિત્રો માટે આ અચાનક આવેલા સમાચાર આઘાતજનક છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર હુમલાઓ અને ફાયરિંગની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઘટનાએ ફરી એકવાર અમેરિકામાં વસતા NRI ગુજરાતીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. સમુદાય દ્વારા સ્થાનિક પ્રશાસનને સુરક્ષા વધારવા માટે વારંવાર વિનંતી કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
