News of Thursday, 22nd May 2025
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બોમ્બની ધમકીથી હડકંપ : કોર્ટરૂમ ખાલી કરાવાયા : સુરક્ષા એજન્સીઓ એલર્ટ!
ચંદીગઢમાં આવેલા હાઈકોર્ટ પરિસરમાં તણાવનો માહોલ : બાર એસોસિએશને વકીલોને સતર્ક રહેવા અને તાત્કાલિક સ્થળ ખાલી કરવા સૂચના આપી

ચંદીગઢ, ગુરુવાર, ૨૨ મે, ૨૦૨૫: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પરિસરમાં આજે બપોરના સમયે બોમ્બની ધમકી મળતા ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. આ ધમકીના પગલે તાત્કાલિક સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હતા અને સાવચેતીના ભાગરૂપે કોર્ટરૂમ્સ તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓએ સમગ્ર પરિસરમાં તપાસ હાથ ધરી છે.
બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક એલર્ટ: ૨ વાગ્યા પછી કાર્યવાહી ફરી શરૂ થશે
પ્રાપ્ત માહિતી અનુસાર, હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા એક નોટિસ જારી કરીને આ અંગેની માહિતી સર્ક્યુલેટ કરવામાં આવી હતી. નોટિસમાં જણાવાયું હતું કે, "માનનીય હાઈકોર્ટમાં બોમ્બની ધમકી અંગે એલર્ટ મળ્યું છે."
બાર એસોસિએશને પોતાના તમામ માનનીય સભ્યોને ("All Hon'ble members") સતર્ક રહેવા અને પરિસરમાં કોઈપણ શંકાસ્પદ કે બેવારસી વસ્તુ જોવા મળે તો તાત્કાલિક ચંદીગઢ ખાતેની હાઈકોર્ટ બાર એસોસિએશનની ઓફિસને જાણ કરવા વિનંતી કરી હતી.
વકીલોને પણ તાત્કાલિક કોર્ટરૂમ ખાલી કરવા માટે સાવચેતીના પગલારૂપે અપીલ કરવામાં આવી હતી. હાલ પુરતી કોર્ટની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે, બપોરના ભોજન બાદ એટલે કે બપોરે ૨:૦૦ વાગ્યાથી કોર્ટની કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે સમગ્ર પરિસરમાં સઘન તપાસ ચાલી રહી છે.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
