<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

બસ ઊભી ન રાખી એટલે મહિલાએ ૧૧ કિલોમીટર પીછો કરીને ડ્રાઇવરને ફટકાર્યો

નાશિકની ઘટનાના વાઇરલ થયેલા વિડિયોમાં મહિલાનો રુદ્રાવતાર જોવા મળ્‍યો

નાશિક, તા.૨૨: નાશિકમાં મંગળવારે સાંજે જોરદાર પવન સાથે વરસાદ પડી રહ્યો હતો ત્‍યારે વાહનવ્‍યવહારને પણ અસર થઈ હતી. એક મહિલા તેના પુત્ર સાથે બસની રાહ જોઈને ઊભી હતી ત્‍યારે એક સિટી લિન્‍ક બસ આવતી હોવાનું જોઈને મહિલાએ બસને રોકવા માટે હાથ દેખાડ્‍યો હતો. બસના ડ્રાઇવરે મહિલાને જાણે જોઈ જ ન હોય એવી રીતે બસ ઊભી રાખવાને બદલે દોડાવી દીધી હતી. મહિલા બસની પાછળ તેના પુત્ર સાથે થોડે દૂર સુધી દોડી હોવા છતાં બસ ઊભી નહોતી રહી. આથી ડ્રાઇવરને પાઠ ભણાવવા મહિલાએ નિમાણી બસ-સ્‍ટૅન્‍ડથી નાશિક રોડ સુધી ૧૧ કિલોમીટર રિક્ષામાં બેસીને બસનો પીછો કર્યો હતો.

નાશિકના એક બસ-સ્‍ટૉપ પર બસ ઊભી રહી હતી ત્‍યારે મહિલા રિક્ષામાંથી ઊતરીને બસમાં ચડી ગઈ હતી અને ડ્રાઇવરને કૉલર પકડીને નીચે ઉતાર્યો હતો અને ઉપરાઉપરી ચાર-પાંચ લાફા મારી દીધા હતા. લોકોએ મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો પણ એ એટલીબધી ગુસ્‍સામાં હતી કે તેણે ડ્રાઇવરનો કૉલર છોડ્‍યો નહોતો. મહિલાનો રુદ્રાવતાર જોઈને લોકો ચોંકી ગયા હતા. મહિલાએ ડ્રાઇવરને પૂછયું હતું કે વરસાદ ચાલુ હતો ત્‍યારે લોકોને પ્રવાસ કરવા માટે બસની જરૂર હતી ત્‍યારે બસ ઊભી ન રહે તો આવી બસનો શું ઉપયોગ? મહિલાની વાત પર સ્‍થાનિક પ્રશાસને આ વિશે વિચારવું જોઈએ એવું એકઠા થયેલા લોકોએ કહ્યું હતું. બધાએ ખૂબ સમજાવ્‍યા બાદ મહિલા શાંત થઈ હતી.

(3:56 PM IST)