News of Thursday, 22nd May 2025
32 વર્ષ બાદ ગુજરાતમાં વાઘનું પુનરાગમન! દાહોદના જંગલોમાં વાઘ દેખાતા વન્યજીવ પ્રેમીઓમાં ખુશીનો માહોલ : ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) ના અધિકારી સુસન્તા નંદાએ સોશિયલ મીડિયા 'X' પર જાણકારી આપી : જુઓ વિડિયો
ગુજરાત બન્યું ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં સિંહ, વાઘ અને દીપડો - ત્રણેય 'મોટી બિલાડીઓ' નો વસવાટ! સિંહોની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો

After 32 years, a tiger has been sighted in Dahod district of Gujarat. Return of this big cat makes it the only state to have all the three big cats- Tiger, lion & leopard 🙏 pic.twitter.com/nIlszZ1A0u
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) May 22, 2025
દાહોદ: ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે! લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી, 32 વર્ષના લાંબા અંતરાલ બાદ ગુજરાતમાં ફરી એકવાર વાઘનું પગેરું મળ્યું છે અને દાહોદ જિલ્લાના જંગલોમાં વાઘ દેખાયો હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ સમાચાર વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત માટે એક મોટી ઉપલબ્ધિ સમાન છે.
આ અંગે ખુદ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) ના અધિકારી સુસન્તા નંદાએ સોશિયલ મીડિયા 'X' પર પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, "32 વર્ષ પછી, ગુજરાતના દાહોદ જિલ્લામાં વાઘ દેખાયો છે. આ મોટી બિલાડીના પાછા ફરવાથી ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં ત્રણેય મોટી બિલાડીઓ – વાઘ, સિંહ અને દીપડો - છે." વન્યજીવોની પરિભાષામાં, સિંહ, વાઘ અને દીપડો એ બિલાડી કુળના, બિલાડી પ્રજાતિના મોટા પ્રાણીઓ હોવાથી તેમને 'મોટી બિલાડી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
સિંહોની વસ્તીમાં પણ વધારો: ગુજરાત વન્યજીવો માટે અનુકૂળ
આ સકારાત્મક સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી સિંહોની વસતી ગણતરી મુજબ, રાજ્યમાં સિંહોની વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ વખતે ગુજરાતમાં 891 સિંહો હોવાનું નોંધાયું છે, જે દર્શાવે છે કે ગુજરાતનું વાતાવરણ વન્યજીવો માટે અત્યંત અનુકૂળ બની રહ્યું છે.
ગુજરાતમાં વાઘનો ઇતિહાસ: 1992 પછી પ્રથમ પુષ્ટિ!
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) મુજબ, ગુજરાતમાં છેલ્લે 1985માં વ્યારા તાલુકાના ભેસખતરી વિસ્તારમાં વાઘ જોવા મળ્યો હતો, જેનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ, 1992માં થયેલી વાઘની વસતી ગણતરી મુજબ વાઘની સંખ્યા શૂન્ય થઈ ગઈ હતી, અને ત્યારથી આજ દિન સુધી ગુજરાતમાં એકપણ વાઘ હોવાની સત્તાવાર નોંધ નહોતી.
ભૂતકાળમાં પણ ગુજરાતમાં વાઘ દેખાયા હોવાના દાવાઓ થતા રહ્યા છે, અને મહારાષ્ટ્રની સરહદે આવેલા ડાંગના જંગલોમાં વાઘ આંટોફેરો કરી જતા હોવાનું પણ મનાય છે. જોકે, આજના દાહોદમાં દેખાયેલા વાઘના પુરાવા સાથે, ગુજરાત રાજ્યમાં સિંહ, વાઘ અને દીપડો એમ ત્રણેય મુખ્ય જંગલી બિલાડી પ્રજાતિના પ્રાણીઓ જોવા મળતું ભારતનું આ પ્રથમ રાજ્ય બન્યું છે, જે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની પ્રતિબદ્ધતા અને સફળતાનો જીવંત દાખલો પૂરો પાડે છે. આ ઘટનાથી રાજ્યના વન્યજીવ પ્રેમીઓ અને પર્યાવરણવિદોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
