<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

ટંકારાના ખજુરા હોટેલ નજીક 90 લાખની લૂંટનો પર્દાફાશ : ગણતરીના કલાકોમાં 72.50 લાખ રોકડ સહિત 81.50 લાખનો મુદ્દામાલ જપ્ત : બે આરોપી ઝડપાયા:જુઓ વિડીયો

આંગડિયા પેઢીની કારને આંતરી છરી-ધોકા બતાવી ધાડ પાડનારાઓ પૈકી બે ભાવનગરના શખ્સો ઝડપાયા : ૯૦ લાખની લૂંટમાં રાજકોટ રેન્જ પોલીસની કબીલેદાદ ઝડપી કાર્યવાહી

જયેશ ભટાસણા દ્વારા, ટંકારા 22 મે 2025: રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા નજીક આવેલી ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં ગઈકાલે, 21 મે, આંગડિયા પેઢીની કારને આંતરીને છરી અને લાકડાના ધોકા બતાવી 90 લાખ રૂપિયાની માતબર રકમની લૂંટ/ધાડ પાડવામાં આવી હતી. આ સનસનાટીભર્યા ગુનામાં ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી, ગુનામાં વપરાયેલી બલેનો અને પોલો કાર, તેમજ લૂંટાયેલી રોકડ પૈકી 72.50 લાખ રૂપિયા અને 5 મોબાઈલ ફોન સહિત કુલ 81.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અનડિટેક્ટેડ ગુનો શોધી કાઢ્યો છે.
રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મિલકત સંબંધિત ગુનાઓના આરોપીઓને તાત્કાલિક પકડી પાડી, પરિણામલક્ષી કામગીરી કરી મુદ્દામાલ રીકવર કરવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી.
કેવી રીતે થઈ લૂંટ અને કેવી રીતે ઝડપાયા આરોપીઓ?
ગઈકાલે, 21 મે 2025 ના રોજ, રાજકોટ 150 ફૂટ રોડ પર આવેલી ટી. એન્ટરપ્રાઈઝ (ટાઈટેનિયમ) નામની આંગડિયા પેઢીના નિલેષભાઈ ભાલોડી અને જયસુખભાઈ ફેફર રાજકોટથી મોરબી તરફ XUV-300 ગાડી (નં. GJ-03-NK-3502) માં 90 લાખ રોકડા લઈને આવી રહ્યા હતા.
તેઓ મિતાણા ગામ નજીક ચાંમુડા હોટેલ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક સફેદ કલરની પોલો કારે તેમની ગાડીને ઠોકર મારી. જેથી તેમણે કાર ઉભી રાખતા, પાછળથી બીજી એક બલેનો કાર આવી. આ બંને કારમાંથી પાંચ થી સાત માણસો છરી, લાકડાના ધોકા અને પાઈપ લઈને ઉતર્યા. આંગડિયા પેઢીના કર્મચારીઓએ કાર હંકારીને મોરબી બાજુ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ બલેનો અને પોલો કારમાં બેઠેલા અજાણ્યા માણસોએ તેમનો પીછો કર્યો. ખજુરા હોટલ નજીક ફરીથી તેમની કારને ઠોકર મારતા કારનું ટાયર ફાટી ગયું અને ખજુરા હોટલના ગ્રાઉન્ડમાં કાર ઉભી રહી ગઈ.
ત્યાં, બલેનો અને પોલો કારમાંથી મોઢે રૂમાલ બાંધીને પાંચ થી સાતેક માણસો લાકડાના ધોકા, પાઈપ અને છરી લઈને ઉતર્યા અને XUV-300 માંથી 90 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. ફરિયાદીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાતેક ઈસમો સામે BNSS કલમ 310(2), 324(4) તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો નોંધાવ્યો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી અને આરોપીઓની ધરપકડ
ઉપરોક્ત બનાવની ગંભીરતાને ધ્યાને લઈને મોરબી જિલ્લામાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા (વાંકાનેર વિભાગ) અને નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા (મોરબી વિભાગ) ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડયા અને ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. છાસીયાએ અલગ અલગ પોલીસ ટીમો બનાવી તાત્કાલિક બનાવ સ્થળની મુલાકાત લીધી.
બનાવ સ્થળની આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ અને ગુનામાં વપરાયેલી કારના વર્ણનના આધારે ધ્રોલ અને જોડીયા વિસ્તારમાં સ્થાનિક માણસોનો સંપર્ક કરીને કાર અંગેની માહિતી મેળવી. જાણવા મળ્યું કે કાર ધ્રોલ, લતીપર થઈને ટંકારા તરફ આવી રહી હતી.
પોલીસ ટીમોએ લતીપર રોડ, આરાધના હોટલ સામે વોચ ગોઠવી. મોટા વાહનો વડે ટ્રાફિક જામ કરી પોલો કારને આંતરીને રોકી પાડવા માટેની તૈયારી કરવામાં આવી હતી. તેવામાં સામેથી પોલો કાર પૂર ઝડપે આવી રહી હતી. તમામ પોલીસ સ્ટાફ એલર્ટ થઈ ગયો અને લતીપર રોડ, ટીપટોપ કારખાના સામે સરકારી અને ખાનગી મોટા વાહનોની આડશ ઉભી કરી. ટ્રાફિકમાં ઉભેલ બે હાઈસ્પીડ ખાનગી વાહન સ્કોર્પીયોમાં પોલીસને બેસાડીને પોલો કારનો પીછો કરવા તૈયારી કરી. દરમ્યાન લતીપર બાજુથી ફૂલ સ્પીડમાં પોલો કાર આવતા તેને રોકવા હાથથી ઈશારો કરતા કારના ચાલકે વધુ સ્પીડમાં કાર હંકારી, પરંતુ યુટર્ન લેવા જતા કાર બંધ પડી ગઈ.
ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત થયેલ મુદ્દામાલ
આ કારમાંથી નીચે જણાવેલ બે ઈસમો પાસેથી લૂંટ/ધાડ કરેલા રોકડા 72.50 લાખ રૂપિયા, 5 મોબાઈલ ફોન, પોલો કાર (નં. GJ-01-RE-7578), ધાડમાં લૂંટાયેલી ડોક્યુમેન્ટની બેગ અને અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. લૂંટ/ધાડ કરી ખજુરા હોટલ નજીકથી ભાગવા જતા બલેનો કારનો અકસ્માત થતા રોડની સાઈડમાં પડેલી હતી. આ બલેનો કાર (નં. GJ-04-EP-7878) પણ ગુનામાં વપરાયેલી હોય, તેની કિંમત 5 લાખ રૂપિયા ગણીને કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, કુલ 81.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓના નામ-સરનામા:
 * અભિ લાલા અલગોતર (ભરવાડ) ઉંમર-24, રહે. ભાવનગર, જૂની માણેકવાડી, કાંત સ્ટુડિયો વાળા ખાચામાં, મૂળગામ-શાહપુર, તા.-વલ્ભીપુર, જી.-ભાવનગર.
 * અભિજીત ભાવેશ ભાર્ગવ (બ્રાહ્મણ) ઉંમર-25, રહે. ભાવનગર, રૂપાણી સર્કલ, કે.આર. દોશી સ્કૂલ, ટેનામેન્ટ નં-1926, હાલ રહે. ભાવનગર, મેઘાણી સર્કલ થી ડોન ચોક રસ્તામાં આરાધનાબેન ભટ્ટના મકાનમાં ભાડે.
પકડવાના બાકી આરોપીઓના નામ-સરનામા:
 * હિતેશ પાચા ચાવડા, રહે. સાજણાસર, તા. પાલીતાણા, જી. ભાવનગર.
 * નિકુલ કાના અલગોતર.
 * દર્શીલ ભરવાડ.
 * કાનો આહીર (બધા ભાવનગર).
 * એક અજાણ્યો માણસ.
કબજે કરેલ મુદ્દામાલ:
 * રોકડા રૂપિયા: 72,50,000/-
 * પોલો કાર નંબર-GJ-01-RE-7578: કિંમત 4,00,000/-
 * બલેનો કાર નંબર-GJ-04-EP-7878: કિંમત 5,00,000/-
 * મોબાઈલ ફોન નંગ-05: કિંમત 50,000/-
 * લૂંટ ધાડમાં ગયેલ ડોક્યુમેન્ટ ભરેલ બેગ
 * લાકડાનો ધોકો, મરચાની ભૂકી.
આ કામગીરીમાં વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા, એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પંડયા અને ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. છાસીયા સહિત એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, મોરબી અને ટંકારા પોલીસ સ્ટાફનાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, જામનગર એલ.સી.બી. અને ધ્રોલ પોલીસ સ્ટાફના માણસો પણ આ કામગીરીમાં મદદમાં રહ્યા હતા.

 

(8:31 PM IST)