News of Friday, 23rd May 2025
ખુશખબર : ભારતમાં ચોમાસું વહેલું બેસશે! હવામાન વિભાગ ની આગાહી મુજબ ૨૫ મેના રોજ કેરળમાં ચોમાસાનું આગમન સંભવ
સામાન્ય કરતાં વધુ વરસાદની આશા સાથે અર્થતંત્રને વેગ મળશે : દેશના મોટાભાગના વિસ્તારોમાં સમયસર વરસાદની અપેક્ષા : ખેડૂતોમાં ખુશીનો માહોલ

નવી દિલ્હી, ૨૩ મે, ૨૦૨૫: ભારતીય અર્થતંત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા ચોમાસાને લઈને ખુશ કરનારી ખબર સામે આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું એટલે કે ૨૫ મે, રવિવારના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક આપી શકે છે. ચોમાસાના આગળ વધવા માટેની પરિસ્થિતિઓ હાલ બિલકુલ અનુકૂળ છે. ગયા વર્ષે કેરળના દરિયાકાંઠે ૩૦ મેથી વરસાદ શરૂ થયો હતો, જેનો અર્થ છે કે આ વર્ષે ચોમાસું એક અઠવાડિયા વહેલું શરૂ થવાની શક્યતા છે. આગામી એક મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જશે તેવી અપેક્ષા છે.
આ વર્ષે હવામાન વિભાગની આગાહીઓ ઘણી સચોટ સાબિત થઈ રહી છે. IMD એ અગાઉ ૨૭ મેના રોજ ચોમાસાના આગમનની ભવિષ્યવાણી કરી હતી, જેમાં માત્ર ૪ દિવસનો જ ફેરફાર જોવા મળી રહ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે, આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની પણ આશા છે. એક વરિષ્ઠ અધિકારીએ 'લાઈવ મિન્ટ' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જો પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે તો ૨૫ મે સુધીમાં ચોમાસું કેરળ પહોંચી જશે, જે અમારી આગાહી મુજબ જ છે.
ભારત માટે આ સમાચાર અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ભારતમાં લગભગ ૭૦ ટકા વરસાદ જૂનથી સપ્ટેમ્બર મહિના વચ્ચે પડે છે. ચોમાસાનું સમયસર આગમન દેશ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે ખેતી, જળાશયો અને ભૂગર્ભજળ સ્તરને સીધી રીતે પ્રભાવિત કરે છે. આના આધારે જ ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન અને તેલીબિયાં જેવા ખરીફ પાકની વાવણી કરવામાં આવે છે.
IMD એ આ વર્ષે સરેરાશ કરતાં વધુ વરસાદનું અનુમાન લગાવ્યું છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્ર માટે આશા વધી ગઈ છે. આ વર્ષે સારી ખરીફ પાકની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જે ખાદ્ય સુરક્ષા, ગ્રામીણ આવક અને દેશના આર્થિક વિકાસને મજબૂતી પ્રદાન કરી શકે છે.
કેરળ ઉપરાંત, આગામી કેટલાક દિવસોમાં ચોમાસું દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર, લક્ષદ્વીપ, કર્ણાટક, તમિલનાડુ, દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તર બંગાળની ખાડી અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં પણ આગળ વધવાની સંભાવના છે. આ દરમિયાન, દક્ષિણ કોંકણ-ગોવા કિનારે અરબી સમુદ્રના પૂર્વ મધ્ય ભાગમાં એક હળવા દબાણનો વિસ્તાર પણ બન્યો છે, જે આગામી ૩૬ કલાકમાં હવામાનમાં પરિવર્તન લાવી શકે છે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનો ફૂંકાઈ શકે છે.
દેશના ઘણા ભાગોમાં ચાલી રહેલી ગરમી (લૂ) ની સ્થિતિ વચ્ચે આ સમાચાર રાહતભર્યા છે. ચોમાસાના આગમનથી ખાદ્ય મોંઘવારી પર નિયંત્રણ અને જળ તથા ઊર્જા વ્યવસ્થાપનમાં પણ મદદ મળવાની અપેક્ષા છે. હાલમાં, ચોમાસાની દિશામાં કોઈપણ પ્રકારનો વિલંબ કે ફેરફાર જોવા મળ્યો નથી, જે કૃષિ ક્ષેત્ર અને વરસાદના પાણી પર નિર્ભર વિસ્તારો માટે એક સકારાત્મક સંકેત છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
