<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th May 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાહોદથી ₹24 હજાર કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરશે

‘મેઇક ઇન ઇન્ડિયા’ હેઠળ ₹21,405 કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર : ₹181 કરોડના ખર્ચે 193 ગામોને શુદ્ધ પીવાનું પાણી મળશે : મધ્ય ગુજરાતમાં વિકાસને મળશે નવો વેગ

 

 

ગાંધીનગર, 24 મે, 2025: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 26 અને 27 મે, 2025 દરમિયાન ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત અંતર્ગત, વડાપ્રધાન દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જે મધ્ય ગુજરાતના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
રેલવે ક્ષેત્રે ઐતિહાસિક લોકાર્પણ અને ખાતમુહૂર્ત:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેલ મંત્રાલય દ્વારા દાહોદમાં ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મેન્યુફેક્ચરિંગ શોપ - રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરશે. ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ હેઠળ તૈયાર થયેલું આ રેલ્વે પ્રોડક્શન યુનિટ દસ હજારથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ આપશે. અહીં નિર્મિત 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન વડાપ્રધાન દ્વારા દેશને સમર્પિત કરાશે. આ એન્જિન 4600 ટન કાર્ગોનું વહન કરવાની ક્ષમતા ધરાવે છે અને આગામી 10 વર્ષમાં આવા 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, વડાપ્રધાન રેલવેના કુલ ₹23,692 કરોડના કામોનું લોકાર્પણ કરશે. તેમાં આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ-હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામો, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી-કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ ₹2,287 કરોડના કામોનો સમાવેશ થાય છે. દાહોદ વર્કશોપમાં બનેલા ઇલેક્ટ્રિક લોકોમોટિવનું ફ્લેગ ઓફ, અમદાવાદ (સાબરમતી) થી વેરાવળ (સોમનાથ) વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ, વલસાડ-દાહોદ વચ્ચે નવી ટ્રેન સેવા અને કલોલ-કટોસણ વિભાગમાં ફ્રેઈટ ટ્રેનનો શુભારંભ પણ વડાપ્રધાનના હસ્તે થશે.
પાણી પુરવઠાની ચાર યોજનાઓથી 193 ગામોને ફાયદો:
મહીસાગર અને દાહોદ જિલ્લાના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે વડાપ્રધાન ₹181 કરોડના ખર્ચે નિર્માણ થયેલ પીવાના પાણીની ચાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે. આ યોજનાઓ કાર્યરત થતા મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે.
આ યોજનાઓમાં ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ₹49 કરોડના ખર્ચે નિર્મિત નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 37 ગામો સહિત કુલ 39 ગામોની 1.01 લાખ વસ્તી), ₹70 કરોડના ખર્ચે નિર્મિત ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના 49 અને લુણાવાડા તાલુકાના ત્રણ સહિત કુલ 51 ગામો અને વીરપુર શહેરની 1.16 લાખ વસ્તી), ₹33 કરોડના ખર્ચે નિર્મિત ચારણગામ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના 44 ગામોની 83 હજારથી વધુ વસ્તી), અને ₹29 કરોડના ખર્ચે નિર્મિત ગોઠીબ જૂથ પાણી પુરવઠા યોજના (મહીસાગર જિલ્લાના સંતરામપુર અને દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના 58 ગામોની 1.46 લાખ વસ્તી) નો સમાવેશ થાય છે.
અન્ય વિકાસ કામો અને ખાતમુહૂર્ત:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના ₹233 કરોડના વિકાસ કામો જનસમર્પિત કરશે. આ ઉપરાંત, પોલીસ હાઉસિંગના ₹53 કરોડના કામોનું લોકાર્પણ પણ થશે.
મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લામાં સાવલી-ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, કાયાવરોહણ-સાધલી માર્ગ, જરોદ-સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા-રણોલી માર્ગ પર નવા બ્રિજ સહિત કુલ ₹581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અમૃત 2.0 અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹26 કરોડના કામો અને છોટાઉદેપુર જિલ્લામાં ₹26 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારેજ બ્રિજ તેમજ ₹73 કરોડના ખર્ચે એલ.સી 65 ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ વડાપ્રધાનના હસ્તે થશે. આમ, કુલ ₹706 કરોડના વિવિધ સાત વિકાસકામોનું ખાતમુહૂર્ત કરાશે.
આ તમામ વિકાસકાર્યોથી મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વિકાસને વેગ મળશે અને જનસુવિધા તથા જનસુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે.

(1:20 PM IST)