<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

જાસૂસી કેસ: યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાના મોબાઈલમાંથી ડિલીટ ડેટા મળ્યો, આઇએસઆઇ કનેક્શનના સંકેત મળ્યા

હિસાર/નવી દિલ્હી: ભારત માટે જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા કેસમાં પોલીસ તપાસ વેગવાન બની છે. હરિયાણા પોલીસે પૂછપરછ દરમિયાન જ્યોતિના મોબાઈલ ફોનમાંથી ડિલીટ થયેલો ડેટા મેળવ્યો છે, જેમાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ  સાથે સંકળાયેલા પી.આઇ.ઓ. (પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ) સાથે વાતચીતના પુરાવા મળ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદ પાકિસ્તાની અધિકારી 'ડેનિશ'નું નામ પણ સામે આવ્યું છે, જે દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાં કાર્યરત હોવાનું મનાય છે.

જ્યોતિ પાસેથી જપ્ત કરાયેલા ૩ મોબાઈલ ફોન અને ૧ લેપટોપ પૈકી મોબાઈલમાંથી ડિલીટ થયેલો ડેટા અને કોલ ડિટેલ્સ મળી ગઈ છે, જ્યારે લેપટોપમાંથી ડેટા મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. પ્રાથમિક તપાસમાં પાકિસ્તાની સંપર્કો સાથે વોટ્સએપ ચેટ અને વીડિયો ટ્રાન્સફરની વિગતો પણ સામે આવી છે.

આ કેસમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની પોલીસ ટીમો પણ હિસાર પહોંચી જ્યોતિની પૂછપરછ કરી ચૂકી છે. ગોવા અને યુપી પોલીસે જ્યોતિ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરાયેલા સંવેદનશીલ વિસ્તારોના વીડિયો પાછળના ઉદ્દેશ્ય અને તેના કનેક્શન્સ અંગે તપાસ આદરી છે.

જ્યોતિના બેંક ખાતાઓ અને તાજેતરના પાકિસ્તાન, દુબઈ, થાઈલેન્ડ, ચીન જેવા વિદેશ પ્રવાસો પણ તપાસનો વિષય બન્યા છે, કારણ કે ખાતાઓમાં શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે. આ કેસની તપાસ હિસાર પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસ.આઈ.ટી.) અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા આ નેટવર્કને સંપૂર્ણપણે ઉજાગર કરવાનો છે.

(1:53 PM IST)