<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદને ₹24,000 કરોડના વિકાસ કાર્યોની ભવ્ય ભેટ આપી : 'D-9' ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિનને લીલી ઝંડી આપી 'આત્મનિર્ભર ભારત'નું પ્રતિક બનાવ્યું!

દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું જીવંત પ્રતિક બની : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'ઓપરેશન સિંદૂર'ને આતંકવાદ સામેની નવી લડાઈના માપદંડ ગણાવ્યા

દાહોદ, : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાતના દાહોદ ખાતે રૂપિયા 24 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરીને 'વિકસિત ભારત'ના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાંથી નિર્મિત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સપાવરનું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન 'D-9' ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું, જે ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતિક બન્યું છે.
વડાપ્રધાનનો દ્રષ્ટિકોણ: 'આત્મનિર્ભર ભારત' અને વૈશ્વિક નેતૃત્વ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અગાઉ જે ફેક્ટરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, તે આજે ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું જીવંત પ્રતિક બની છે. આ સિદ્ધિ ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આજે ભારતમાંથી સ્માર્ટફોનથી લઈને કાર, રમકડાં, સેના માટેના શસ્ત્રો, દવાઓ જેવી અનેક વસ્તુઓની નિકાસ થઈ રહી છે. એટલું જ નહીં, ભારત હવે રેલવે, મેટ્રો અને તે માટેની ટેક્નોલોજી પણ પોતે જ બનાવે છે અને દુનિયાભરમાં નિકાસ કરે છે, જેમાં દાહોદ એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ 140 કરોડ ભારતીયોએ સાથે મળીને 'વિકાસશીલ ભારત' માટે કમર કસી હોવાનું જણાવી 'આત્મનિર્ભરતા' પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, "આપણા માટે હવે એ મહત્વનું છે કે દેશ માટે જે કંઈ જરૂર પડે એ આપણે ભારતમાં જ બનાવીએ. આજે દેશ ઝડપથી મેન્યુફેક્ચરિંગની દુનિયામાં આગળ વધી રહ્યો છે."
દાહોદની નવી ઓળખ: રેલવે ઉત્પાદનનું હબ અને વિકાસનું ઉદાહરણ:
દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં બનેલું 9,000 હોર્સપાવર ધરાવતું આ એન્જિન માત્ર દાહોદનું નહીં, પરંતુ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ટેકનોલોજીનો પરિચય આપે છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આવનારા સમયમાં દાહોદમાંથી દર બે દિવસે એક એન્જિન તૈયાર થતું હશે, તે દિવસો હવે દૂર નથી. આ ફેક્ટરીથી સ્થાનિક યુવાનોને રોજગાર મળશે, નાના ઉદ્યોગો ઉભા થશે, સ્પેર પાર્ટ્સના કારખાનાં શરૂ થશે, ખેડૂત હોય, પશુપાલક હોય કે દુકાનદાર, દરેક વર્ગને આનો લાભ મળશે.
ગુજરાતના સો ટકા રેલ નેટવર્કના વિદ્યુતીકરણની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ઉલ્લેખ કર્યો કે, છેલ્લા દાયકામાં ભારતે રેલવે ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે, જેમાં વંદે ભારત ટ્રેનો, મેટ્રો સેવાઓનો વિસ્તાર અને અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ભારત આજે રેલવે ટેકનોલોજી અને સાધનોનું નિર્માણ કરીને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉદી અરબ, ફ્રાન્સ, મેક્સિકો, સ્પેન અને જર્મની જેવા દેશોમાં નિકાસ કરી રહ્યું છે. આજે ભારતના રેલવે ઉત્પાદનોએ વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
ગુજરાત આજે શિક્ષણ, આઈટી, સેમીકન્ડક્ટર, ટુરિઝમ જેવા તમામ ક્ષેત્રોમાં આગળ છે, લાખો યુવાનોને રોજગારની તક મળી છે. દાહોદ જિલ્લાનો પણ ઘણો વિકાસ થયો છે, તેમ જણાવતાં તેમણે દાહોદ જિલ્લાને આદિવાસી પ્રદેશોના વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, એક સમયે પછાત ગણાતો આ જિલ્લો આજે સ્માર્ટ સિટીના સપના સાકાર કરી રહ્યો છે. આજે દાહોદની સ્માર્ટ સિટી, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને હવે રેલવે ઉત્પાદનનું હબ તરીકે નવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે.
આદિવાસી સમાજનું ઉત્થાન અને 'ઓપરેશન સિંદૂર'નું ગૌરવ:
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આદિવાસી સમાજના ઉત્થાન પર ભાર મૂકતાં જણાવ્યું કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નોંધપાત્ર કામ થયું છે. એકલવ્ય મોડેલ સ્કૂલો, આઈટીઆઈ, મેડિકલ કોલેજો અને ટ્રાઇબલ યુનિવર્સિટીઓની સ્થાપનાથી આદિવાસી યુવાનોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસની નવી તકો મળી છે. પીએમ જનમન યોજના દ્વારા આદિવાસી સમાજના સૌથી પછાત વર્ગો માટે ઘર, શિક્ષણ અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સિકલ સેલ એનિમિયા જેવા રોગો સામે લડવા માટે ચાલી રહેલા મિશન મોડના પ્રયાસોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. દેશમાં ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્થાન અભિયાન હેઠળ 60 હજારથી વધુ ગામોમાં વીજળી, પાણી, રસ્તા અને શાળાઓ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશની સુરક્ષા અને સ્વાભિમાન પર ભાર મૂકી, ભારતના સંસ્કારો અને ભાવનાઓની અભિવ્યક્તિ રૂપ *'ઓપરેશન સિંદૂર'*નો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતું કે, આ ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી, જે 140 કરોડ ભારતીયોના ગૌરવનું પ્રતીક છે. તેમણે જણાવ્યું કે ભારત આતંકવાદનો જવાબ ચૂપ રહીને નહીં, પરંતુ કડક પગલાં લઈને આપે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉદ્બોધન:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'ઓપરેશન સિંદૂર' બદલ વડાપ્રધાન અને સેનાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને 'ઓપરેશન સિંદૂર'થી આતંકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નિયત કર્યા છે. હવે આતંકનો જવાબ ત્વરિત, સચોટ અને સતત કાર્યવાહીથી અપાશે તેવો નિર્દેશ તેમણે આપ્યો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે. વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય, એ કાર્યસંસ્કૃતિ વડાપ્રધાને વિકસાવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના આદિવાસી વિસ્તારોમાં રોડ, રેલવે, એરપોર્ટ જેવી કનેક્ટિવિટી સુવિધાઓમાં વધારો થયો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ખર્ચમાં પણ છ ગણો વધારો થયો છે. પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, આવાસ, વીજળી જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિરંતર વિકસ્યા છે.
આદિવાસી વિસ્તારના ગામોમાં રોડ રસ્તા સહિત પાણી પુરવઠાનું પણ મજબૂત નેટવર્ક ઊભું થયું છે અને અંબાજીથી ઉમરગામ સુધી આદિજાતિ વિસ્તારના ગામોમાં સરફેસ આધારિત પાણી પુરવઠા યોજનાઓનો લાભ મળ્યો છે. દુર્ગમ આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવાનું મુશ્કેલ હતું, ત્યાં ઉદવહન યોજનાઓથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ માટે આદિજાતિ વિસ્તારમાં 6076 કરોડ રૂપિયાની 20 જેટલી મોટી ઉદવાહન યોજનાઓ હાથ ધરવામાં આવી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું સ્વાગત પ્રવચન:
કાર્યક્રમમાં સ્વાગત વક્તવ્ય રજૂ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે સ્ટીમ એન્જિનનો યુગ હતો અને દાહોદ રેલવેનું મોટું તથા મહત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર હતું. વડાપ્રધાને અહીં નવ હજાર હોર્સ પાવરનું આધુનિક ઇલેક્ટ્રિક એન્જિન નિર્માણ કરાવવાનું નિયત કર્યું, જેનું કાર્ય 2022માં શરૂ થયું અને હવે અહીં આધુનિક રેલવેનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. D-9 નામ આપવામાં આવેલ આ એન્જિન સંપૂર્ણપણે ડિજિટલ, અવાજમુક્ત, પાઇલોટ માટે AC કેબિન અને ટોઇલેટની સુવિધા સાથે બનાવવામાં આવ્યા છે, જેમાંથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાશે. તેમણે કહ્યું કે, "આ હવે માત્ર દાહોદ નથી, આ છે ટેક્નોલોજી અને આત્મનિર્ભર ભારતનું પ્રતીક."
આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય સરકારના મંત્રીઓ કુબેરભાઈ ડીંડોર, કુંવરજીભાઈ બાવળીયા, મુકેશભાઈ પટેલ, તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર, સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

 

(6:26 PM IST)