<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કચ્છમાં અદકેરું સન્માન : કચ્છી શાલ, પાઘડી અને ભરતકલાના નમૂનાઓથી ઉમળકાભેર અભિવાદન!

₹53,000 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને શુભારંભ માટે પધારેલા વડાપ્રધાનને મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યો અને આગેવાનો દ્વારા વિવિધ સોગાદો અર્પણ કરાઈ : 'ઓપરેશન સિંદૂર'ની યાદગીરી પણ અપાઈ

ભુજ (વિનોદ ગાલા દ્વારા) : રૂપિયા 53 હજાર કરોડથી વધુના વિકાસકામોના લોકાર્પણ અને શુભારંભ અર્થે ભુજ આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કચ્છની જનતા, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ દ્વારા વૈવિધ્યસભર સ્મૃતિચિહ્નો એનાયત કરીને ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
કચ્છના આંગણે આવેલા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ, ધારાસભ્યો અને અગ્રણીઓ દ્વારા વિવિધ સોગાદો અર્પીને હૃદયપૂર્વક આવકારવામાં આવ્યા હતા.
મહાનુભાવો દ્વારા અપાયેલી સોગાદો:
આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વીજ, આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા વડાપ્રધાનને કચ્છી ભરતકામના વિવિધ નમૂનાનું સુંદર સ્મૃતિચિહ્ન એનાયત કરવામાં આવ્યું હતું.
ત્યારે, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સર્વ ધારાસભ્યો કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા દ્વારા વડાપ્રધાનને કચ્છી પાઘડી, કચ્છી શાલ તથા વડાપ્રધાનના પેઇન્ટિંગ સાથેનું વિશિષ્ટ સ્મૃતિચિહ્ન આપીને આવકારવામાં આવ્યા હતા.
સમાજ અને સંસ્થાઓ દ્વારા વિશેષ સન્માન:
આગેવાનો રજનીભાઈ પટેલ, કશ્યપભાઈ શુકલા, દેવજીભાઈ વરચંદ, દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્યએ કચ્છની આગવી ઓળખ સમા કચ્છી શાલ તથા 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની યાદગીરીરૂપે ખાસ સ્મૃતિચિહ્ન વડે વડાપ્રધાનને આવકાર્યા હતા.
તેમજ, વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલા ગૌરવશાળી કચ્છીઓ સુરેશભાઈ ડાંગર, હિનાબેન રાજગોર, રાજીબેન વણકર, હિતેશભાઈ વોરા, ભૂમિકાબેન છાભૈયાએ કચ્છી શાલ સાથે કચ્છની લોક સંસ્કૃતિની ઝલક સમાન વિવિધ સ્મૃતિચિહ્નો ભેટમાં આપી વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સન્માન સમારોહ વડાપ્રધાનના કચ્છ પ્રત્યેના લગાવ અને કચ્છીઓની આતિથ્ય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો હતો.

 

(6:50 PM IST)