<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વેરાવળ-સાબરમતી વચ્ચે વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી પીએમ મોદીએ વર્ચ્યૂઅલી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું

પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની મુસાફરી સુવિધામાં ઉમેરો થશે.: વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા.

અમદાવાદ :ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. આ ઘટના બાદ તેઓ પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે ત્યારે દાહોદથી વેરાવળ-સાબરમતી 'વંદે ભારત' ટ્રેનને પીએમ મોદીએ વર્ચ્યૂઅલી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની મુસાફરી સુવિધામાં ઉમેરો થશે. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ દાહોદથી કેન્દ્ર અને રાજ્ય સરકારના રૂ.૨૪,૦૦૦ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યુ હતું. જે ઉપક્રમે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વડાપ્રધાનએ વેરાવળ રેલવે સ્ટેશનથી વેરાવળ(સોમનાથ)-સાબરમતી(અમદાવાદ) 'વંદેભારત એક્સપ્રેસ' ટ્રેનનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, સર્વે ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું.

 

સાંસદ રાજેશ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો અનેક કુદરતી સ્થળો, નૈસર્ગિક પ્રકૃત્તિ અને પ્રવાસન સ્થળો ધરાવે છે. સોમનાથ મંદિર, ગરવો ગઢ ગીરનાર અને સાસણ જેવા પ્રવાસન સ્થળો પર્યટકોને આકર્ષે છે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે કનેક્ટિવિટી અગત્યની છે, ત્યારે જિલ્લાની પ્રવાસન સર્કિટને વેગવંતી બનાવવા માટે તથા લોકોને આરામદાયક મુસાફરીમાં વંદેભારત ટ્રેન મહત્વનો ભાગ ભજવશે.

 

ટ્રેન નં. 09502 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 26 મે, 2025 ના રોજ વેરાવળથી 11.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 18.25 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો પર ઉભી રહેશે. વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જેમાં સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુંભાવો રહ્યા હાજર, ટ્રેનમાં પ્રથમ મુસાફરી મહિલા મંડળે કરી છે અને જૂનાગઢથી મહિલા મંડળ વેરાવળ પહોંચ્યું છે, 150 કરોડના ખર્ચે નવુ રેલવે સ્ટેશન બનશે.

 

ટ્રેન નં. 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી સાબરમતી (ધરમનગર બાજુ) સવારે 05.25 વાગ્યે થી ઉપડશે અને તે જ દિવસે 12.25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 26902 વેરાવળ - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી વેરાવળ થી 14.40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21.35 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નં. 26901 અને 26902 નું બુકિંગ 25 મે, 2025 થી PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

(7:34 PM IST)