<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

'ઓપરેશન સિંદૂર' બાદ PM નરેન્દ્રભાઈ મોદીનો અમદાવાદમાં ભવ્ય રોડ શો : એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી જનસાગર ઉમટ્યો!:જુઓ વિડીયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સી.આર. પાટીલ પણ જોડાયા : 19 સ્ટેજ પર વિવિધ ધર્મના નાગરિકો દ્વારા સ્વાગત : ગાંધીનગર સર્કિટ હાઉસમાં પણ ઉષ્માભર્યો આવકાર

અમદાવાદ : 'ઓપરેશન સિંદૂર'ની ઐતિહાસિક સફળતા બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ભુજથી સીધા અમદાવાદ આવી પહોંચેલા વડાપ્રધાને આજે અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજ્યો હતો, જેમાં તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા.
અમદાવાદમાં ભવ્ય રોડ શો:
વડાપ્રધાન નરેન્દ્રભાઈના રોડ-શો દરમિયાન લોકો રસ્તાની બંને તરફ હાથમાં તિરંગા સાથે ઉપસ્થિત રહીને PM મોદીને ઉષ્માભેર આવકારી રહ્યા હતા. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. રોડ શોના રૂટ પર 19 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યાં અલગ અલગ ધર્મના નાગરિકો દ્વારા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સ્વાગતથી સમગ્ર અમદાવાદ જાણે રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઉષ્માભર્યો આવકાર:
અમદાવાદમાં રોડ શો પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જવા રવાના થયા હતા. તેમને આવકારવા માટે સર્કિટ હાઉસ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મેયર સહિતના મહાનુભાવો વડાપ્રધાનના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગરની આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતના પુત્રના રિસેપ્શનમાં હાજરી આપી શકે છે. બળવંતસિંહના નાના પુત્રનો આજે ગાંધીનગર સર્કિટ હાઉસમાં સત્કાર સમારંભ છે. વડાપ્રધાન મોદી રોડ શો બાદ સર્કિટ હાઉસમાં આ સમારંભમાં હાજરી આપશે, જેને લઈને સર્કિટ હાઉસ પર હાલમાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

(8:51 PM IST)