News of Monday, 26th May 2025
નોઈડા પોલીસ કોન્સ્ટેબલ સૌરભની હત્યા કેસમાં બદમાશો સામે પોલીસનું એક્શન :એન્કાઉન્ટરમાં બે આરોપીઓ ઘાયલ
પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને હત્યાના બીજા જ દિવસે આરોપીની ધરપકડ કરી: પોલીસ પર ગોળીબાર કરી ભાગી રહેલા ગુનેગારોને તેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો

ઉત્તર પ્રદેશના નોઈડા પોલીસના કોન્સ્ટેબલ સૌરભની હત્યા કેસમાં પોલીસે જવાબી કાર્યવાહી કરી છે અને એન્કાઉન્ટરમાં બે આરોપીઓને ઘાયલ કર્યા હતા. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને હત્યાના બીજા જ દિવસે આરોપીની ધરપકડ કરી છે.
બે વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે પોલીસ અને SWAT ટીમ ગ્રામીણ દ્વારા નાહલ ગામથી જંગલ તરફ જતા માર્ગ પર DME અંડરપાસ પાસે થાણા મસૂરી વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ દરમિયાન, જ્યારે પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓને બાઇક પર આવતા જોયા, ત્યારે તેમણે તેમને ઉભા રહેવા માટે કહ્યું હતું. પરંતુ, પોલીસે ઉભા રહેવાનો સંકેત આપ્યો હોવા છતાં બાઇક પર આવી રહેલા શંકાસ્પદ વ્યક્તિઓ ઉભા રહ્યા ન હતા, ત્યાર બાદ પોલીસ પર ગોળીબાર કરી ભાગવા લાગ્યા હતા.
પોલીસ પર ગોળીબાર કરી ભાગી રહેલા ગુનેગારોને તેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ગુનેગારોની બાઇક લપસી ગઈ અને તેઓ ત્યાં જ પડી ગયા હતા અને બંનેના પગમાં ગોળી વાગી હતી. જે બાદ પોલીસે બંનેને પકડી લીધા હતા.
પોલીસ દ્વારા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એકનું નામ ઇલ્યાસ અને બીજાનું નામ અબરાર હતું. બંને નાહલ ગામના રહેવાસી છે. આ માહિતી ગાઝિયાબાદ કમિશનરેટ દ્વારા આપવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ કબૂલાત કરી છે કે રવિવાર (25 મે) રાત્રે, તેમણે નોઈડાથી ગાઝિયાબાદ આવેલી પોલીસ ટીમ પર ગોળીબાર અને પથ્થરમારો કર્યો હતો. બંને આરોપીઓ હત્યાના કેસમાં ફરાર હતા.
પોલીસ દ્વાર ધરપકડ કરાયેલા બંને લોકો પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ, બે ખાલી કારતૂસ, બે જીવતા કારતૂસ અને એક સ્પ્લેન્ડર બાઇક મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બંને સામે પહેલાથી જ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.
રવિવારે રાત્રે, નોઈડા પોલીસની એક ટીમ કાદિર નામના ભાગેડુ ગુનેગારને પકડવા ગાઝિયાબાદ ગઈ હતી. આ દરમિયાન પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને ગોળીબાર કરવામાં આવ્યો. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલને ગોળી વાગીને ઈજા થઈ હતી. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
(9:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
