<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

1971ના યુદ્ધની વીરાંગના મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઓવારણાં લીધા : ભુજમાં 'સિંદૂર વન' નિર્માણની નેમ!

'ઓપરેશન સિંદૂર'ની સફળતા બાદ વડાપ્રધાનની કચ્છ મુલાકાત : માધાપર ગામની વયોવૃદ્ધ મહિલાઓને સિંદૂરના રોપા અર્પણ કરી અનોખું સન્માન કરાયું

ભુજ (વિનોદ ગાલા દ્વારા) : 'ઓપરેશન સિંદૂર'ની ભવ્ય સફળતા બાદ સરહદી જિલ્લા કચ્છના ભુજ ખાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયક પ્રસંગમાં 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર માધાપર ગામની વયોવૃદ્ધ વીરાંગના મહિલાઓનું અનોખું સન્માન કર્યું.
આ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'સિંદૂર વન'ના નિર્માણની નેમ વ્યક્ત કરી હતી. તેમણે આ વીરાંગના મહિલાઓને સિંદૂરના રોપા અર્પણ કરીને તેમનો ઋણ સ્વીકાર કર્યો. આ એ જ મહિલાઓ છે જેમણે 1971ના યુદ્ધ દરમિયાન પોતાના જીવની પરવા કર્યા વગર રાતોરાત ભુજનો તૂટેલો રન-વે બનાવીને ભારતની જીતમાં અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
વડાપ્રધાનના આ હૃદયસ્પર્શી સન્માનથી ભાવુક થયેલી વીરાંગના મહિલાઓએ પ્રેમપૂર્વક વડાપ્રધાનના ઓવારણાં લીધા હતા. આ ક્ષણ દેશભક્તિ, શૌર્ય અને નારીશક્તિના સન્માનનું પ્રતિક બની રહી. 'સિંદૂર વન'ના નિર્માણનો પ્રસ્તાવ આ વીરાંગનાઓના અદમ્ય સાહસ અને બલિદાનને કાયમી યાદ અપાવશે.

 

(9:12 PM IST)