<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th May 2025

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અને નિર્માતા કૌસ્તુભ ત્રિવેદીનું ૬૯ વર્ષની વયે દુઃખદ અવસાન : કલા જગતમાં શોકનો માહોલ

૨૦૦થી વધુ નાટકોના નિર્માતા અને 'વીર માંગડાવાળો' ફેમ અભિનેતા કૌસ્તુભ ત્રિવેદીના નિધનથી ગુજરાતી કલા ક્ષેત્રને મોટી ખોટ : આવતીકાલે મુંબઈમાં અંતિમ યાત્રા

મુંબઈ : ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ જગતમાં એક મોટી ખોટ સર્જાઈ છે. અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મોમાં અભિનય અને નિર્માતા તરીકે પોતાની આગવી છાપ છોડનાર દિગ્ગજ કલાકાર કૌસ્તુભ ત્રિવેદીનું ૬૯ વર્ષની વયે મુંબઈમાં તેમના નિવાસ સ્થાને અવસાન થયું છે. કૌસ્તુભ ત્રિવેદીનું ગુજરાતી થિયેટરમાં ખૂબ જ મોટું યોગદાન હતું. તેમણે ૨૦૦ કરતાં વધુ નાટકોનું નિર્માણ કર્યું હતું અને કેટલાક નાટકોમાં અભિનય પણ કર્યો હતો.
આ સાથે તેઓ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મ 'વીર માંગડાવાળો'માં અભિનય માટે પણ જાણીતા હતા. તેમની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનેથી આવતીકાલે, ૨૮ મે, ૨૦૨૫, બુધવારે સવારે ૯ કલાકે નીકળશે.
કલાકારો અને મિત્રો દ્વારા શોક વ્યક્ત
ગુજરાતી રંગભૂમિના આ મોટા કલાકાર અને પ્રોડ્યુસરના નિધન પર તેમના નજીકના મિત્રો, કલાકારો અને પરિવાર તરફથી ઊંડો શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કૌસ્તુભ ત્રિવેદીના નિધન પર ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે વાત કરતાં તેમના મિત્રો અને કલાકારોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. અભિનેતા અને પ્રોડ્યુસર સંજય ગોરડિયા, બાબુલ ભાવસાર, અને રાજેન્દ્ર બુટાલાએ આ દિગ્ગજ કલાકાર સાથેની તેમની યાદગાર પળોને શેર કરી તેમને યાદ કર્યા છે.
સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદીએ ૧૦૦ કરતાં વધુ નાટકોમાં પ્રોડ્યુસર અને સહ-કલાકાર તરીકે કામ કર્યું છે. ખાસ મિત્રના અવસાન પર તેમને યાદ કરતાં સંજય ગોરડિયા કહે છે કે, "અમે પાર્ટનર પછી અને મિત્ર પહેલા હતા. ૨૫ વર્ષ એકબીજા સાથે અમારી પાર્ટનરશિપની જર્નીને એક રેકોર્ડ ગણાવી શકાય. અમારી વચ્ચે મતભેદો થયા, પણ તે કદીયે પૈસાને લઈને નહીં, પણ નાટકની ક્રિએટિવિટી બાબતને લઈને તેને બહેતર બનાવવાની દ્રષ્ટિએ થતાં. ગુજરાતી રંગભૂમિને મોટી ખોટ પડી છે. તેઓ ઘણા સમયથી નાટકોથી દૂર હતા, તેમ છતાં તેમનું નામ નાટકમાં હોય. નિર્માતાઓ તેમને કહેતા કે તમે કામ નહીં કરો તો પણ તમારું નામ નાટકમાં રહેશે, આ બાબત તેમના કામ પ્રત્યે ઘણું કહી જાય છે." કૌસ્તુભ ત્રિવેદી સાથે પોતાની જર્ની અને મિત્રતાને સંજય ગોરડિયાએ 'લાલી લીલા' નાટક સાથે સરખાવતાં કહ્યું, "આ નાટકના બે પાત્રો જેવી જ અમારી મિત્રતા હતી. અમારી વચ્ચે પૈસાને લઈને કોઈ અવિશ્વાસ કોઈ પણ પરિસ્થિતિમાં ન નિર્માણ થઈ શકે, એવી અમારી મિત્રતા હતી."
કૌસ્તુભ ત્રિવેદીના નિધન પર શોક વ્યક્ત કરતાં બાબુલ ભાવસાર કહે છે કે, "કૌસ્તુભ ભલે મારી સાથે નાટકમાં હોય કે ન હોય, પણ તેઓ હંમેશા પ્રોડક્શનમાં દરેકને ગાઈડ કરતા. રંગભૂમિ માટે હંમેશા છાતી કાઢીને ઊભા રહી જાય તેવી વ્યક્તિ એટલે કૌસ્તુભ ત્રિવેદી. આ ક્ષેત્રથી જોડાયેલ દરેક વ્યક્તિ તેમને જરૂર યાદ કરશે. તેઓ અનેક વખત મારા મદદગાર તરીકે આગળ આવ્યા છે અને નાટક અંગે સૌથી પ્રામાણિક વ્યક્તિ. તેમની સાથે કામ કરતી વખતે મને પૈસાની બાબતે કોઈ પણ વિવાદ કે તકલીફ થઈ નથી. તેઓ નાટકને ઉત્તમ બનાવવા માટે બધા જ પ્રયત્ન કરે. 'ભગવાન તારું ભલું કરે' આ વાક્ય તેમની જીભે હોય જ."
પ્રોડ્યુસર રાજેન્દ્ર બુટાલા કૌસ્તુભ ત્રિવેદીને યાદ કરતાં કહે છે કે, "હું અને તેઓ ફક્ત નિર્માતા તરીકે જ નહીં, પણ મિત્રો તરીકે પણ સાથે જોડાયેલા હતા. તેમની બાહોશ કુશળતા, સ્વભાવ અને જે વિઝન હતું તે ખરેખર પ્રશંસનીય છે. તેમના નિધનથી ગુજરાતી રંગભૂમિને મોટી ખોટ સાલશે. નાટક ન ચાલે તો પોતાની ભૂલ હોય તો સ્વીકારી લે તેવા કલાકારનું નામ કૌસ્તુભ ત્રિવેદી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર સાથે હું છું."

 

(10:29 PM IST)