<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

વિદેશ અભ્‍યાસ કરતાં ભારતીયોની સંખ્‍યા ૧.૮ મિલિયનને પાર થઈ

હાલમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્‍ટ્રેલિયા જેવા દેશોએ ઈન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ્‍સ માટેના નિયમો સખ્‍ત બનાવી દીધા છે તેમ છતાં હવે વિદેશમાં અભ્‍યાસ કરવા જતાં ભારતીય વિદ્યાર્થીની સંખ્‍યા સતત વધી રહી છે

 

નવી દિલ્‍હી તા.૨૮: હાલમાં અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્‍ટ્રેલિયા જેવા દેશોએ ઈન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ્‍સ માટેના નિયમો સખ્‍ત બનાવી દીધા છે તેમ છતાં હવે વિદેશમાં અભ્‍યાસ કરવા જતાં ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સની સંખ્‍યા સતત વધી રહી છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પ્રમાણે હાલમાં વિદેશમાં અભ્‍યાસ કરનારા ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટની સંખ્‍યા ૧.૮ મિલિયનને પાર થઈ ગઈ છે, અને આ ઘણો જ નોંધપાત્ર ઉછાળો છે કેમ કે, ૨૦૨૩માં આ આંકડો ૧.૩ મિલિયનનો હતો. આ ડેટા પ્રમાણે વિદેશ અભ્‍યાસ માટે કેનેડા અને યુકે ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટના ટોચની પસંદગીના દેશો રહ્યા છે.

કેનેડા અને યુકેએ ઈમિગ્રેશન પર નિયંત્રણ મૂકવા માટે ઈન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ્‍સ માટેના નિયમો સખ્‍ત બનાવ્‍યા હોવા છતાં આ બંને દેશો ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સની ટોચની પસંદગીના દેશો છે. ૨૦૨૪માં કેનેડામાં ૧,૩૭,૬૦૮ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ અભ્‍યાસ કરતા હતા જ્‍યારે યુકેમાં આ આંકડો ૯૮,૮૯૦નો હતો, જ્‍યારે અમેરિકામાં સૌથી વધારે ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ અભ્‍યાસ કરે છે. ૨૦૨૪માં અમેરિકામાં ૩,૩૧,૬૦૨ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ અભ્‍યાસ કરતા હતા જે ૨૦૨૩ની તુલનામાં ૨૩ ટકાનો વધારો હતો. આ સમયગાળા દરમિયાન ઈન્‍ડિયા ચીનને પાછળ રાખીને અમેરિકામાં અભ્‍યાસ કરતું સૌથી મોટું ઈન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ્‍સનું ગ્રુપ બન્‍યું હતું. બીજી તરફ યુરોપિયન દેશોમાં જર્મની અને આયર્લેન્‍ડમાં પણ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટની સંખ્‍યામાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૩-૨૦૨૪ વિન્‍ટર સેમેસ્‍ટરમાં જર્મનીમાં ૪૯,૪૮૩ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ અભ્‍યાસ કરતા હતા જ્‍યારે ઓસ્‍ટ્રેલિયામાં આ આંકડો ૭૦૦૦થી વધારે હતો.

જોકે, ૨૦૨૫ની શરૂથી ફોરેન એજ્‍યુકેશન માટેનું ચિત્ર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ માટે અમેરિકા ટોચની પસંદગીનો દેશ રહ્યો છે પરંતુ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના સત્તામાં આવ્‍યા બાદ હવે પરિસ્‍થિતિ બદલાઈ ગઈ છે. આગામી સમયમાં ટ્રમ્‍પ સરકાર ઓપ્‍શનલ પ્રેક્‍ટિકલ ટ્રેનિંગ (OPT) પ્રોગ્રામ સમાપ્ત કરી શકે છે. અમેરિકામાં અભ્‍યાસ બાદ OPT દ્વારા ઈન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ્‍સ ત્‍યાં કામ કરી શકે છે અને રહી શકે છે. આ OPTના સૌથી વધુ લાભાર્થી ઈન્‍ડિયન્‍સ હોય છે જેના કારણે આ પ્રોગ્રામ બંધ થવાની સીધી અસર તેમના પર જ પડવાની છે. જો આ પ્રોગ્રામ બંધ કરી દેવામાં આવશે તો ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સને અભ્‍યાસ બાદ ભારત પાછા આવવું પડશે અને એવી સ્‍થિતિમાં તેમણે લીધેલી લાખો રૂપિયાની લોન ભરવી પણ મુશ્‍કેલ બની શકે છે.

આ ઉપરાંત H-1B વિઝાને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે જેના કારણે તેના પર પણ નિયંત્રણો મૂકવામાં આવી શકે છે. તેથી હવે ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ અમેરિકા જતાં ખચકાઈ રહ્યા છે. બીજી તરફ હાલમાં અમેરિકામાં જોબ મેળવવી પણ મુશ્‍કેલ બની રહી છે. હાલમાં જ હાવર્ડના ભૂતપૂર્વ સ્‍ટુડન્‍ટ્‍સ અને ઈન્‍ડિયાના જાણીતા આંત્રપ્રેન્‍યોરે સોશિયલ મીડિયા પર ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ અને ખાસ કરીને IITમાંથી પાસ આઉટ થયેલા એન્‍જિનિયર્સને સાવચેત કર્યા હતા કે હવે અમેરિકા, યુકે અને કેનેડામાં જોબ મેળવવી અત્‍યંત કપરું કામ બની ગયું છે. તેમનું કહેવું છે કે અગાઉ એન્‍જિનિયર્સ અમેરિકામાં માસ્‍ટર્સ ડિગ્રી મેળવતા હતા ત્‍યારે તેમને તગડી સેલેરીની જોબ મળી જતી હતી પરંતુ હવે એવું રહ્યું નથી.

બીજી તરફ કેનેડાએ તો ૨૦૨૪ની શરૂઆતથી જ ઈમિગ્રેશનના નિયમો સખ્‍ત બનાવવાનું શરૂ કર્યું છે અને ઈન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ્‍સ માટેની સ્‍ટડી પરમિટ પર કાપ મૂકી દીધો છે. જેના કારણે ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સને આપવામાં આવતી સ્‍ટડી પરમિટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઈમિગ્રેશન, રેફયુજીસ એન્‍ડ સિટિઝનશિપ કેનેડા એટલે કે IRCCના લેટેસ્‍ટ ડેટા પ્રમાણે કેનેડાએ ૨૦૨૪ના ફર્સ્‍ટ ક્‍વાર્ટરમાં ૪૪,૨૯૫ ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટને સ્‍ટડી પરમિટ ઈશ્‍યૂ કરી હતી, જ્‍યારે ૨૦૨૫ના -થમ ક્‍વાર્ટરમાં આ આંકડો ઘટીને ૩૦,૬૪૦ થઈ ગયો છે, જે અંદાજીત ૩૧ ટકાનો ઘટાડો દર્શાવે છે. તેથી હવે પછીના આંકડામાં કેનેડામાં અભ્‍યાસ કરતાં ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સની સંખ્‍યામાં ઘટાડો થઈ શકે છે.

બીજી તરફ યુકેમાં પણ આવી જ પરિસ્‍થિતિ છે જેમાં ઈન્‍ડિયન સ્‍ટુડન્‍ટ્‍સ અને વર્કર્સની સંખ્‍યામાં મોટો ઘટાડો થયો છે. યુકેમાં પણ ઈમિગ્રેશનનો ભારે વિરોધ થઈ રહ્યો છે જેના કારણે વડાપ્રધાન કિર સ્‍ટારમરની સરકાર નેટ માઈગ્રેશન પર કાપ મૂકવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં જ સામે આવેલા ઓફિસ ફોર નેશનલ સ્‍ટેટિસ્‍ટિક્‍સ (ONS)ના ૨૦૨૪ના ડેટા પ્રમાણે ગત વર્ષે યુકે અભ્‍યાસ માટે આવેલા ૩૭,૦૦૦ અને વર્ક માટે આવેલા ૧૮,૦૦૦ ઈન્‍ડિયન્‍સે યુકે છોડ્‍યું હતું. આ ઉપરાંત અન્‍ય કોઈ કારણોસર યુકે આવેલા ૩૦૦૦ ઈન્‍ડિયન્‍સ સહિત કુલ ૫૮,૦૦૦ ઈન્‍ડિયન્‍સે યુકેને ટાટા-ટાટા બાય-બાય કહી દીધું હતું. યુકેએ ઈન્‍ટરનેશનલ સ્‍ટુડન્‍ટ્‍સ અને વર્કર્સ માટેના ડિપેન્‍ડન્‍ટ્‍સ વિઝા પર આકરા નિયંત્રણો મૂકયા છે અને તેના કારણે ઈન્‍ડિયન્‍સ સ્‍ટુડન્‍ટ્‍સ હવે યુકે જવાનું ટાળી રહ્યા છે.(૩૮.૨)

(9:38 AM IST)