<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

આસામના 'ફેક એન્કાઉન્ટર' મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ : ૧૭૧ કેસોની તપાસ માટે માનવ અધિકાર પંચને આદેશ!

જીવનના અધિકારના ઉલ્લંઘનના ગંભીર આરોપો : પીડિત પરિવારોને જાહેર નોટિસ દ્વારા સંપર્ક કરવા અને નિષ્પક્ષ તપાસ કરવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ : સરકારી સહયોગ આપવા આદેશ

નવી દિલ્હી, ૨૮ મે, ૨૦૨૫: આસામમાં કથિત 'ફેક પોલીસ એન્કાઉન્ટર' ના દાવાઓ પર સુપ્રીમ કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે આસામ માનવ અધિકાર પંચને આ અત્યંત ગંભીર આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. એક જાહેર હિતની અરજી (PIL) માં આસામ સરકાર પર વર્ષ ૨૦૧૪માં PUCL કેસમાં સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે આસામ માનવ અધિકાર આયોગને પીડિત પરિવારોનો સંપર્ક કરવા માટે તાત્કાલિક જાહેર નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો છે.
આસામ પોલીસ સામે ૧૭૧ ફેક એન્કાઉન્ટરના ચોંકાવનારા આરોપો
અરજદારે આસામ પોલીસ સામે કુલ ૧૭૧ ફેક એન્કાઉન્ટર કરવાનો આરોપ મૂક્યો છે, જેમાં ૧૧૭ એન્કાઉન્ટરની યાદી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, "સંપૂર્ણ તપાસ વિના આ મામલાને ખોટા ગણી શકાય નહીં. સાચા કેસને ઓળખવા મહત્ત્વપૂર્ણ છે. PIL પ્રક્રિયાગત સુરક્ષાનું સ્થાન લઈ શકે નહીં. ન્યાય માટે વ્યક્તિગત અભિગમની જરૂર છે."
કોર્ટે આ મામલે વધુમાં કહ્યું કે, "આમાંની કેટલીક ઘટનાઓ ફેક એન્કાઉન્ટર હોઈ શકે છે તેવા આરોપો અત્યંત ગંભીર છે અને જો તે સાબિત થાય છે, તો તેને બંધારણની કલમ ૨૧ હેઠળ જીવન જીવવાના અધિકારનું ઉલ્લંઘન માનવામાં આવશે. જોકે, એ પણ એટલું જ શક્ય છે કે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ પછી, કેટલાક કેસ કાયદેસર રીતે ન્યાયી અને જરૂરી હોઈ શકે છે."
સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, આ દરેક કેસની સ્વતંત્ર રીતે તપાસ થવી જોઈએ. તેમજ જો કોઈ નિર્દોષ વ્યક્તિની હત્યા થઈ હોય તો તેનું જવાબદાર કોણ તે બાબત પણ સુનિશ્ચિત થવી જોઈએ. આ માટે આસામ માનવ અધિકાર પંચને કેસની નિષ્પક્ષ તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
માનવ અધિકાર પંચને આદેશ અને સરકારી સહયોગની ખાતરી
સુપ્રીમ કોર્ટે રાજ્ય માનવ અધિકાર આયોગને આદેશ આપ્યો કે તેઓ અંગ્રેજી અને સ્થાનિક ભાષાઓના અખબારોમાં જાહેર નોટિસ આપે, જેથી અસરગ્રસ્ત પરિવારોનો અવાજ સાંભળી શકાય અને તેઓ પોતાની ફરિયાદ નોંધાવી શકે. આ સાથે, રાજ્ય સરકારને કોઈપણ વહીવટી અવરોધો દૂર કરવા તેમજ તપાસ માટે સંપૂર્ણ ફોરેન્સિક સહાય અને જરૂરી સંસાધનો પૂરા પાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
શું છે આખો મામલો?
આસામ પોલીસ પર વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૨ વચ્ચે કુલ ૧૭૧ ફેક એન્કાઉન્ટર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને, મે ૨૦૨૧ માં રિટ પિટિશન દાખલ થયા પછી ૮૦ થી વધુ ફેક એન્કાઉન્ટર થયા હોવાનો આરોપ છે, જેના પરિણામે ૨૮ લોકો મૃત્યુ પામ્યા હતા. આસામ સરકાર દ્વારા એક સોગંદનામામાં મે ૨૦૨૧ થી ઓગસ્ટ ૨૦૨૨ સુધીમાં ૧૭૧ ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં ૫૬ લોકોના મોત અને ૧૪૫ ઘાયલ થયા હતા.
આ મામલે આસામ સરકારનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૪ ની સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ જ આ કાર્યવાહી કરવામાં આવી છે. આસામ સરકારે આ આરોપોને સુરક્ષા દળોની શાંતિ ભંગ કરવાનું કાવતરું ગણાવ્યું છે, પરંતુ હવે સુપ્રીમ કોર્ટની કડક દખલગીરી બાદ આ મામલે સત્ય બહાર આવવાની શક્યતા છે.

 

(4:03 PM IST)