<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

મણિપુરમાં સરકાર રચવાની કવાયત : NDA દ્વારા ૪૪ ધારાસભ્‍યોના સમર્થનનો દાવો કર્યો

ધારાસભ્‍યોનું પ્રતિનિધિ મંડળ રાજયપાલને મળવા પહોંચ્‍યુ

 

 

ઇમ્‍ફાલ, તા.૨૮: મણિપુરમાં સરકાર બનાવવાની કવાયત ફરી એકવાર વેગ પકડ્‍યો છે. ભાજપની આગેવાની હેઠળના NDA ના ૧૦ ધારાસભ્‍યો સરકાર બનાવવાનો દાવો કરવા માટે ઇમ્‍ફાલમાં રાજભવન પહોંચ્‍યા છે. આઠ ભાજપ, એક NPP અને એક અપક્ષ ધારાસભ્‍ય રાજ્‍યમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે મણિપુરના રાજ્‍યપાલ અજય કુમાર ભલ્લાને મળ્‍યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમને ૪૪ ધારાસભ્‍યોનું સમર્થન છે.

મણિપુરના ધારાસભ્‍યોનું એક પ્રતિનિધિમંડળ રાજભવનમાં રાજ્‍યપાલને મળ્‍યું હતું અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. પ્રતિનિધિમંડળે રાજ્‍યપાલને સમર્થનનો ઔપચારિક પત્ર સુપરત કર્યો હતો અને વર્તમાન રાજકીય અનિશ્‍ચિતતા વચ્‍ચે સ્‍થિર શાસન વિકલ્‍પ પૂરો પાડવાની તૈયારીનો પુનરોચ્‍ચાર કર્યો હતો. રાજ્‍યપાલને મળ્‍યા બાદ ધારાસભ્‍ય રાધેશ્‍યામે કહ્યું, અમને ૪૪ ધારાસભ્‍યોનું સમર્થન છે અને ભાજપના તમામ ધારાસભ્‍યો લોકોની ઇચ્‍છાનું પ્રતિનિધિત્‍વ કરતી સરકાર બનાવવા માટે તૈયાર છે. અમે રાજ્‍યપાલને અમારી બહુમતી ધ્‍યાનમાં લેવા અને ઝડપી પગલાં લેવા વિનંતી કરીએ છીએ. રાજ્‍યપાલ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ દાવાની સમીક્ષા કરે અને બંધારણીય જોગવાઈઓ મુજબ નિર્ણય લે.

અપક્ષ ધારાસભ્‍ય નિશિકાંત સિંહે કહ્યું, ‘મોટાભાગના લોકો ઇચ્‍છે છે કે લોકપ્રિય સરકાર રચાય અને તેથી જ અમે અહીં રાજ્‍યપાલને મળવા આવ્‍યા છીએ. અમે અન્‍ય બાબતો પર પણ ચર્ચા કરી, જેમ કે લોકપ્રિય સરકાર બન્‍યા પછી રાષ્‍ટ્રપતિ શાસનનું કાર્ય એકસરખું રહી શકતું નથી. મુખ્‍ય મુદ્દો લોકપ્રિય સરકારની રચનાનો હતો. રાજ્‍યપાલનો પ્રતિભાવ પણ સારો હતો.'

તેમણે કહ્યું કે અમને આશા છે કે સરકાર ટૂંક સમયમાં રચાશે. અમે રાજ્‍યપાલને અપીલ કરી રહ્યા છીએ કે અમને લોકપ્રિય સરકાર જોઈએ છે. અમે રાજ્‍યપાલને એક કાગળ પણ આપ્‍યો છે, જેના પર અમે બધાએ સહી કરી છે. મણિપુરમાં ફઝખ્‍ના બધા ધારાસભ્‍યો લોકપ્રિય સરકાર બનાવવા માટે ખૂબ જ ઉત્‍સુક છે. અમે જનતાનો ટેકો પણ ઇચ્‍છીએ છીએ. અમે જે કાગળ આપ્‍યો છે તેમાં લગભગ ૨૨ લોકોના હસ્‍તાક્ષર છે. રાજ્‍યપાલને મળવા માટે ૧૦ ધારાસભ્‍યો અહીં આવ્‍યા છે.(૨૩.૨૫)

(3:04 PM IST)