News of Wednesday, 28th May 2025
ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણી માટે આચારસંહિતા લાગુ : આજે ૨૮ મેથી જ અમલ શરૂ : મુક્ત અને ન્યાયી ચૂંટણીનો પંચનો નિર્ધાર!
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પરિપત્ર જારી : ૨ જૂને જાહેરનામું, ૨૨ જૂને મતદાન અને ૨૫ જૂને મતગણતરી : અધિકારી - કર્મચારીઓની બદલી - રજા અને નવી સરકારી જાહેરાતો પર સખત પ્રતિબંધ

ગાંધીનગર, ૨૮ મે, ૨૦૨૫: ગુજરાતમાં ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓ-૨૦૨૫ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે, તા. ૨૮ મે, ૨૦૨૫ થી જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે સુનિશ્ચિત કરવા માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે. આચાર સંહિતાનો અમલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં લાગુ પડશે અને ઉમેદવારો, રાજકીય પક્ષો તેમજ સત્તાધારી પક્ષે પણ તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર
રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયત રાજ્ય ચૂંટણી આયોગે ગ્રામ પંચાયત ચૂંટણીઓ માટે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે, જે મુજબ ૨૮ મે, ૨૦૨૫ ના રોજ ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આ ચૂંટણીઓ માટેનું સત્તાવાર જાહેરનામું ૨ મે, ૨૦૨૫ ના રોજ પ્રસિદ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૯ જૂન, ૨૦૨૫ રહેશે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી ૧૦ મે, ૨૦૨૫ ના રોજ હાથ ધરાશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૧ જૂન, ૨૦૨૫ નિર્ધારિત કરવામાં આવી છે. મતદાન ૨૨ જૂન, ૨૦૨૫ (રવિવાર) ના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. જો પુનઃમતદાનની જરૂર પડશે તો તે ૨૪ જૂન, ૨૦૨૫ ના રોજ થશે, અને મતગણતરી ૨૫ જૂન, ૨૦૨૫ ના રોજ કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ પૂર્ણ થશે.
આચાર સંહિતા હેઠળ કડક નિયમો અને પ્રતિબંધો
આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે સંબંધિત તમામ કચેરીઓને સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે આચાર સંહિતા સંબંધે નીચે પ્રમાણે સંકલિત આદેશો કર્યા છે, જે ૨૮/૦૫/૨૦૨૫ (જાહેરાતની તારીખ) થી ૨૫/૦૬/૨૦૨૫ (પરિણામની જાહેરાત) સુધી અમલમાં રહેશે:
* અધિકારીઓ/કર્મચારીઓની બદલી અને રજા પર પ્રતિબંધ: ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા કોઈપણ અધિકારી કે કર્મચારીની રજા તાકીદના તબીબી કારણો સિવાય મંજૂર કરી શકાશે નહીં. તેમજ તેમની બદલી કરી શકાશે નહીં. રાજ્ય સરકારના વિવિધ ખાતા/કચેરીના વડાઓએ આ સૂચનાનું પાલન કરવાનું રહેશે.
* નિમણૂકો પર રોક: સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં કોઈપણ નવી નિમણૂક આપી શકાશે નહીં.
* જાહેરાતો અને વચનો પર પ્રતિબંધ: મતદારોને પ્રભાવિત કરે તેવી કોઈપણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહીં તેમજ કોઈપણ પ્રકારના વચનો આપી શકાશે નહીં.
* નાણાકીય ગ્રાન્ટ અને વિવેકાધીન ફંડ: કોઈપણ રૂપમાં કોઈપણ જાતની નાણાકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરી શકાશે નહીં. વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી પણ મંજૂર કરી શકાશે નહીં.
સચિવાલયના તમામ વિભાગોને ઉપર્યુક્ત સૂચનાઓ પોતાના તાબાના ખાતા/કચેરી તેમજ બોર્ડ, નિગમ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વડાઓના ધ્યાન પર તાત્કાલિક મૂકવા વિનંતી કરવામાં આવી છે. આ આદેશો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઈટ https://sec.gujarat.gov.in/ પર પણ ઉપલબ્ધ છે.
(4:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
