<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ: 'ભૂત' બનીને ફરતો હમાસનો ખૂંખાર માસ્ટરમાઇન્ડ મોહમ્મદ સિનવાર આખરે ઠાર! નેતન્યાહુનો સનસનાટીપૂર્ણ દાવો!

ગાઝામાં ભૂગર્ભમાંથી બહાર આવ્યો હમાસનો 'મુખ્ય આતંકી' : IDFના હવાઈ હુમલામાં મોત : ૭ ઑક્ટોબરના ઇઝરાઈલ નાં નરસંહારનો સૂત્રધાર : ભાઈ યાહ્યા સિનવાર પણ અગાઉ ઠાર થતા હમાસના કમર તૂટી : હવે અસ્તિત્વ સામે સવાલ!

તેલ અવિવ : ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા 'અસ્તિત્વના યુદ્ધ'માં ઇઝરાયેલને એક એવી સફળતા મળી છે, જે હમાસના મૂળિયાં હચમચાવી દેશે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ બુધવારે સનસનાટીપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સેના (IDF) એ હમાસના સૌથી કુખ્યાત અને લાંબા સમયથી 'ભૂત' બનીને ફરતા રહેલા મુખ્ય નેતા મોહમ્મદ સિનવારને ઠાર માર્યો છે! ઇઝરાયેલી સેના છેલ્લા ઘણા વર્ષોથી આ 'લોહી તરસ્યા' માસ્ટરમાઇન્ડની શોધમાં હતી.
૭ ઑક્ટોબરના 'નરસંહાર'નો મુખ્ય સૂત્રધાર આખરે પકડાયો!
સંસદ સમક્ષ વિજયી મુદ્રામાં બોલતા, વડાપ્રધાન નેતન્યાહુએ પુષ્ટિ કરી કે મોહમ્મદ સિનવાર ઇઝરાયેલી સેનાના ચોકસાઈભર્યા હવાઈ હુમલામાં માર્યો ગયો છે. મોહમ્મદ સિનવાર કોઈ સામાન્ય આતંકી નહોતો; તે ૭ ઑક્ટોબર, ૨૦૨૩ ના રોજ ઇઝરાયેલ પર થયેલા ભયાનક નરસંહારનો મુખ્ય સૂત્રધાર હતો. આ કાળા દિવસે ઇઝરાયેલમાં ૧૨૦૦થી વધુ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી અને ૨૦૦થી વધુ લોકોને ક્રૂરતાપૂર્વક બંધક બનાવવામાં આવ્યા હતા, જેના પરિણામે વર્તમાન વિનાશકારી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયું. મોહમ્મદ સિનવારની ઠાર થવાથી ઇઝરાયેલના લાખો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
સિનવાર ભાઈઓની જોડીનો ખાતમો: હમાસના અસ્તિત્વ સામે લટકતી તલવાર!
મોહમ્મદ સિનવાર, હમાસના અન્ય એક અગ્રણી અને ખૂંખાર નેતા યાહ્યા સિનવારનો નાનો ભાઈ હતો. યાહ્યા સિનવારને પણ ઇઝરાયેલી સેનાએ ગયા વર્ષે ૧૬ ઑક્ટોબરના રોજ રાફાહમાં ઠાર માર્યો હતો. હમાસના આ બંને મુખ્ય નેતાઓ, જેઓ સંગઠનના લશ્કરી અને રાજકીય પાંખમાં ઊંડો પ્રભાવ ધરાવતા હતા અને ઇઝરાયેલ વિરુદ્ધની અનેક ઘાતક કાર્યવાહીઓનું આયોજન કરતા હતા, તેમના ખાતમાને કારણે હમાસનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ ગયું છે, તેમ ઇઝરાયેલી ગુપ્તચર અધિકારીઓ માની રહ્યા છે.
આ ડબલ સ્ટ્રાઇક હમાસ માટે એક અકલ્પનીય અને મરણતોલ ફટકો છે. ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા સંઘર્ષ પર તેની અત્યંત ગંભીર અસર પડશે અને હમાસની ભાવિ રણનીતિઓ પર પૂર્ણવિરામ મુકાઈ શકે છે. ઇઝરાયેલ આ કાર્યવાહીને પોતાની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી રહ્યું છે, કારણ કે આ કાર્યવાહીથી માત્ર આતંકવાદી નેતાઓનો ખાતમો જ નથી થયો, પરંતુ હમાસની ઓપરેશનલ ક્ષમતા અને આયોજન શક્તિ પણ ભાંગી પડી છે. આ ઘટના ગાઝામાં યુદ્ધના નવા તબક્કાનો સંકેત આપી રહી છે.

(7:46 PM IST)