<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

ઇન્‍ડસઇન્‍ડ બેંક કેસમાં સેબીની કડક કાર્યવાહીઃ બેંકના ભૂતપૂર્વ સીઇઓ અને ડેપ્‍યુટી સીઇઓ સહિત ૫ લોકો પર પ્રતિબંધ

સેબીએ અધિકારીઓ અને ત્રણ અન્‍ય લોકોને આગામી આદેશ સુધી સીધા કે આડકતરી રીતે શેર ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ મૂકયો છે

 

મુંબઇ તા.૨૯: બજાર નિયમનકાર સિકયોરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ બોર્ડ ઓફ ઇન્‍ડિયા (સેબી) એ આજે ઇન્‍ડસઇન્‍ડ બેંકના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્‍ટર અને સીઇઓ સુમંત કઠપાલિયા અને ભૂતપૂર્વ ડેપ્‍યુટી સીઇઓ અરુણ ખુરાના સહિત ૫ વરિષ્ઠ અધિકારીઓ પાસેથી ૧૯.૮૭ કરોડ રૂપિયા જપ્ત કરવાનો નિર્દેશ આપ્‍યો છે. આ અધિકારીઓ પર ઇનસાઇડર ટ્રેડિંગ નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. સેબીએ આ અધિકારીઓ અને ત્રણ અન્‍ય લોકોને આગામી આદેશ સુધી સીધા કે આડકતરી રીતે શેર ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ મૂકયો છે.

એકપક્ષીય વચગાળાના આદેશમાં, બજાર નિયમનકારે ખુરાનાના ૧૪.૩૯ કરોડ રૂપિયા જપ્ત કરવાનો અને કઠપાલિયાને ૫.૨ કરોડ રૂપિયા પરત કરવાનો નિર્દેશ આપ્‍યો છે. ઇન્‍ડસઇન્‍ડ બેંકના ડેરિવેટિવ પોર્ટફોલિયો ખાતામાં ગેરરીતિઓ જાણવા છતાં, અધિકારીઓ દ્વારા શેર વેચવામાં આવ્‍યા હતા અને નુકસાન ટાળવામાં આવ્‍યું હતું. આવી સ્‍થિતિમાં, નિયમનકારે ટાળવામાં આવેલા કુલ નુકસાનના આધારે આ રકમ વસૂલવાનો આદેશ આપ્‍યો છે.

સેબીની તપાસમાં જાણવા મળ્‍યું કે ખુરાનાએ ૩.૪૮ લાખ શેર અને કઠપાલિયાએ ૧.૨૫ લાખ શેર વેચ્‍યા હતા, જ્‍યારે તેમની પાસે અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતી હતી. જ્‍યારે આ માહિતી જાહેર થઈ ત્‍યારે ઇન્‍ડસઇન્‍ડ બેંકનો શેર ૨૭ ટકા ઘટયો.

સેબીએ જણાવ્‍યું હતું કે છેતરપિંડી સંબંધિત માહિતી પહેલાથી જ સામાન્‍ય રીતે જાહેર હતી તેવા કોઈ પુરાવા નથી. આ ઉપરાંત, સેબી અન્‍ય શંકાસ્‍પદો સાથે સંબંધિત ઇનસાઇડર ટ્રેડિંગ અને ડિસ્‍ક્‍લોઝર નિયમોના ઉલ્લંઘનની પણ વિગતવાર તપાસ કરી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

સ્‍ટોક એક્‍સચેન્‍જોએ પુષ્ટિ આપી હતી કે નાણાકીય વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ માટે ઇન્‍ડસઇન્‍ડ બેંકના અધિકારીઓ દ્વારા કોઈ ટ્રેડિંગ યોજના સબમિટ કરવામાં આવી ન હતી. ઇનસાઇડર ટ્રેડિંગ નિયમો હેઠળ, અપ્રકાશિત ભાવ સંવેદનશીલ માહિતીના કિસ્‍સામાં શેર ખરીદવા અને વેચવાની યોજના વિશેની માહિતી અગાઉથી આપવી પડશે.

સેબીને જાણવા મળ્‍યું કે નવેમ્‍બર ૨૦૨૩ માં ઇન્‍ડસઇન્‍ડ બેંકના ચીફ ફાઇનાન્‍શિયલ ઓફિસર દ્વારા આ વિસંગતતાઓ સામે આવી હતી. નિયમનકારે ભાર મૂકયો હતો કે ૧૦ માર્ચના ખુલાસા પહેલાં વિસંગતતાઓને ઉકેલવામાં અને તેની જાણ કરવામાં ભૂલ થઈ હતી. સેબી આ ગેરરીતિઓ જાહેર કરવામાં નિષ્‍ફળતાની તપાસ કરી રહી છે.

સેબીના પૂર્ણકાલીન સભ્‍ય કમલેશ વાર્ષ્‍ણેયે જણાવ્‍યું હતું કે, કંપનીના આંતરિક વ્‍યક્‍તિ બનવું અને અ-કાશિત ભાવ-સંવેદનશીલ માહિતી ધરાવતું હોવું, આંતરિક વેપાર પ્રવળત્તિઓમાં સામેલ થવું એ ભોળા રોકાણકારોને છેતરવા અને તેમના હિતોને જોખમમાં મૂકવા સમાન છે.

સેબીએ સ્‍પષ્ટતા કરી હતી કે તેણે ૧૦ માર્ચે સુઓમોટુ તપાસ શરૂ કરી હતી અને તેની તપાસ બંધ કરી નથી, જ્‍યારે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે સેબીએ તપાસ બંધ કરી દીધી છે. ઇન્‍ડસઇન્‍ડ બેંકે ખુલાસો કર્યો છે કે ડેરિવેટિવ્‍ઝ પોર્ટફોલિયોના એકાઉન્‍ટ બેલેન્‍સમાં વિસંગતતાઓને કારણે ડિસેમ્‍બર ૨૦૨૪ સુધી ૧,૫૨૯ કરોડ રૂપિયા અથવા બેંકની નેટવર્થના ૨.૩૫ ટકા અસર પડી હતી.

જોકે આ ખુલાસો માર્ચમાં કરવામાં આવ્‍યો હતો, પરંતુ ચકાસણી પછી KPMG દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલમાં કહેવામાં આવ્‍યું હતું કે ડિસેમ્‍બર ૨૦૨૩ સુધી ગેરરીતિઓનો ૨,૦૯૩ કરોડ રૂપિયાનો નકારાત્‍મક પ્રભાવ પડ્‍યો હતો. સેબીની તપાસમાં જાણવા મળ્‍યું છે કે ઇન્‍ડસઇન્‍ડ ફક્‍ત આ ગેરરીતિઓ પર નજર રાખી રહી નથી પરંતુ ભારતીય રિઝર્વ બેંક (RBI) ને જાણ કરવાનું પણ વિચારી રહી છે.(૩૮.૧૩)

(10:54 AM IST)