તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 29th May 2025
વિદેશથી બેંકમાં નાણાં આવ્યા તો ૧૮% GST વસૂલાતથી વિવાદ
મુંબઇ બાદ સુરતમાં પણ ટેક્સ વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવતા કચવાટ : આરબીઆઇના નિયમ પ્રમાણે નાણાં આવતા હોવા છતાં ટેક્સની વસૂલાત સામે અનેક સવાલો

મુંબઈ,તા.૨૯: વિદેશથી બેંકમાં નાણાં આવ્યા હશે તો ગ્રાહક પાસેથી ૧૮ ટકા પ્રમાણે જીએસટી વસૂલાત કરવાની કાર્યવાહી જીએસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવતા કચવાટ પેદા થયો છે, કારણ કે વિદેશથી કોઈ પણ વ્યક્તિ નાણાં મોકલે તો આરબીઆઇના નિયમ પ્રમાણે જ હોય છે. સાથે સાથે વિદેશથી નાણાં આવે તો તેના માટે પહેલેથી જ આરબીઆઇના નિયમ પ્રમાણે ટેક્સ સહિતની વસૂલાત કરી દેવામાં આવતી હોય છે. તેમ છતાં જીએસટી વિભાગે સુરતમાં પણ જે લોકોના ખાતામાં વિદેશથી નાણાં આવ્યા હશે તેઓ પાસેથી ૧૮ ટકા પ્રમાણે જીએસટી વસૂલાત કરવાની કાર્યવાહી શરૂ કરતા વિવાદ ઊભો થયો છે. અગાઉ આ રીતે મુંબઇ ખાતે આવેલી વિવિધ કંપનીઓના ખાતામાં વિદેશથી નાણાં આવ્યા તેઓ પાસેથી ૧૮ ટકા પ્રમાણે જીએસટીની વસૂલાત શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે સેન્ટ્રલ જીએસટી દ્વારા સુરતમાં પણ આ જ રીતે વસૂલાત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે. ત્યારે સવાલ એ પણ ઊભો થયો છે કે આરબીઆઈના નિયમ પ્રમાણે વિદેશથી નાણાં આવ્યા હોય તેવા કિસ્સામાં ૧૮ ટકા પ્રમાણે જીએસટીની વસૂલાત કરવામાં આવે તે કેટલી યોગ્ય છે. જ્યારે વિદેશથી કોઇના પણ ખાતામાં નાણાં આવે તો તેના પર ઈન્કમટેક્સ વિભાગથી માંડીને આરબીઆઇ પણ ખાસ નજર રાખતો હોય છે. તે નાણાં નિયમ પ્રમાણે નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ ઉપરાત કેટલાક લોકો વિદેશમાં માલ મોકલીને તેના પેટે નાણાં સુરતના ખાતામાં આવતા હોય છે. આ તમામ પક્રિયા આરબીઆઇના નિયમ પ્રમાણે જ હોય છે. જો નિયમ પ્રમાણે નાણાં આવતા નહીં હોય તો બેંકના બદલે હવાલા મારફતે જ નાણાં મંગાવી શકે તેવી પણ શકયતા હોય છે. જેથી બેંક ખાતામાં જે પણ નાણાં વિદેશથી આવે તે નિયમ પ્રમાણે જ હોય છે. તેમ છતાં જીએસટી વિભાગે મુંબઈમાં જે રીતે ૧૮ ટકા ટેક્સની વસૂલાત કરવામાં આવી રહી છે તેવી જ પ્રમાણે સુરતમાં પણ વસૂલાત કરવાની કામગીરી શરૂ કરતા વિવાદ સર્જાયો છે. જીએસટી વસૂલાતનો કોઇ પરિપત્ર જ નથી
વિદેશથી આવતા નાણાં પર ૧૮ ટકા ટેક્સ વસુલાત કરવા માટે જીએસટીમાં કોઈ નિયમ જ હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નહીં હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમ છતાં ચાર્જ વસુલાત કરવામાં આવતા વિવાદ ઊભો થયો છે. આ ઉપરાંત ચાર્જ વસુલાત કરવાનો હોય તો બેંક પાસેથી વસુલ કરવો જોઇએ કારણ કે કોઇ પણ પ્રકારની સર્વિસ પર ૧૮ ટકા પ્રમાણે ચાર્જ વસુલાતનો નિયમ બનાવવામાં આવ્યો છે. તો વિદેશની બેંકમાંથી સુરતની બેંકમાં નાણાં આવે તો બેંકના બદલે ગ્રાહક પાસેથી ચાર્જ વસુલાત કરવો યોગ્ય નહીં હોવાનું પણ કેટલાક જાણકારો.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
