તા. ૬ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૧ મંગળવાર
News of Thursday, 29th May 2025
મિસ વર્લ્ડ 2025 ની વિજેતા પહેરશે 1770 હીરા જડિત ₹3 કરોડનો તાજ! ભારતની ખેડૂત પુત્રી નંદિની ગુપ્તા પર આખા દેશની નજર : ટોપ-40 માં જોરદાર ટક્કર માટે તૈયાર
હૈદરાબાદમાં 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાનો 'ઇન્ટરવ્યુ રાઉન્ડ' શરૂ : ફાઇનલ 31 મેના રોજ : નંદિની ગુપ્તા ટોપ મોડેલ ચેલેન્જ જીતી ક્વાર્ટર ફાઇનલમાં : CEO જુલિયા મોર્લેએ કર્યા વખાણ

હૈદરાબાદ, 29 મે, 2025: હૈદરાબાદમાં ચાલી રહેલી 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. આજથી, 29 મે, શરૂ થયેલો 'ઇન્ટરવ્યુ રાઉન્ડ' સૌથી કઠિન માનવામાં આવે છે, જેમાં ટોપ-40 સ્પર્ધકો ભાગ લેશે. આ ટોપ-40 માં ભારતની નંદિની ગુપ્તા પણ સામેલ છે, જેના પર સમગ્ર ભારતની આશાભરી નજર ટકેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે 72મી મિસ વર્લ્ડ સ્પર્ધામાં જે વિજેતા બનશે તેને 1770 હીરાથી જડેલો તાજ પહેરાવવામાં આવશે, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, વિજેતા સ્પર્ધકને કરોડો રૂપિયાનું ઇનામ પણ મળશે.
3 કરોડનો ભવ્ય તાજ અને દિવ્ય પુરસ્કાર:
મિસ વર્લ્ડના CEO જુલિયા મોર્લેના જણાવ્યા અનુસાર, મિસ વર્લ્ડ 2025 નો તાજ અત્યંત ખાસ છે. તેમાં 175.49 કેરેટના 1770 નાના હીરા અને 18 કેરેટના સફેદ સોનાનો ઉપયોગ થયો છે. તાજમાં રહેલો નીલમનો વાદળી રંગ શાંતિ, સમજદારી અને વફાદારીનું પ્રતીક છે. આ ઉપરાંત, વિજેતાને 1.15 કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર પણ મળશે, જે ગયા વર્ષ કરતાં વધુ છે. પરંતુ જુલિયાનું માનવું છે કે સાચું ઇનામ ત્યારે મળે છે જ્યારે વિજેતા વિશ્વભરમાં માનવતાવાદી પ્રોજેક્ટ્સનો ભાગ બને છે. મિસ વર્લ્ડનો ઉદ્દેશ્ય માત્ર સુંદરતા નહીં, પરંતુ સમાજ સેવા પણ છે.
ભારતની નજર નંદિની ગુપ્તા પર:
22 વર્ષીય નંદિની ગુપ્તા રાજસ્થાનના કોટાની રહેવાસી છે. તેમના પિતા એક ખેડૂત છે અને ભાન્ડાહેડા ગામમાં તેમની 200 વીઘા જમીન છે. નંદિનીએ 2023 માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. સેન્ટ પોલ સિનિયર સેકન્ડરી સ્કૂલ, કોટામાંથી અભ્યાસ કર્યા બાદ, તેઓ મુંબઈની લાલા લજપત રાય કોલેજમાંથી બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી મેળવી રહી છે. નંદિનીએ ટોપ મોડેલ ચેલેન્જમાં એશિયા અને ઓશિયાના ક્ષેત્રમાંથી જીત મેળવી છે અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે.
CEO જુલિયા મોર્લેનું નંદિની ગુપ્તા માટે નિવેદન:
જુલિયા મોર્લેએ નંદિનીની પ્રશંસા કરતા કહ્યું, "નંદિનીએ ટોપ મોડેલ ઇવેન્ટ જીતી છે અને સામાજિક કાર્યોમાં પણ ઉત્તમ યોગદાન આપી રહી છે. ભલે તેમણે કેટલીક ઇવેન્ટ્સમાં ભાગ ન લીધો હોય, પરંતુ ઇન્ટરવ્યુ રાઉન્ડ અને ફિનાલેમાં તેમના જવાબો ખૂબ જ મહત્વના રહેશે. મને ખાતરી છે કે તેમનું પ્રદર્શન શાનદાર રહેશે."
ફિનાલેની તૈયારીઓ અને ઇન્ટરવ્યુ રાઉન્ડ:
મિસ વર્લ્ડ 2025 નો ફાઇનલ ફિનાલે 31 મેના રોજ હૈદરાબાદના હિટક્સ એક્ઝિબિશન સેન્ટરમાં રાત્રે 10 વાગ્યાથી યોજાશે. મધ્યરાત્રિ 1 વાગ્યા સુધીમાં વિજેતાની જાહેરાત થશે. આ દિવસે ટોપ-40 સ્પર્ધકો રેમ્પ વોક, સાંસ્કૃતિક પ્રદર્શન અને સવાલ-જવાબ રાઉન્ડમાં ભાગ લેશે.
સોનુ સૂદ જ્યુરી મેમ્બર્સમાં સામેલ:
મિસ વર્લ્ડ સ્પર્ધામાં 11 જ્યુરી મેમ્બર્સ છે, જેમાં બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પણ સામેલ છે. 28-30 મે દરમિયાન યોજાનારા ઇન્ટરવ્યુ રાઉન્ડમાં સ્પર્ધકોના જવાબોનું મૂલ્યાંકન કરશે. ટોપ-5 ફાઇનલિસ્ટની પસંદગી ઇન્ટરવ્યુના આધારે થશે, પરંતુ તેમની ઓળખ ફિનાલે સુધી ગુપ્ત રાખવામાં આવશે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
