<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

જૂન મહિનાથી બદલાશે ઘણા મહત્વના નિયમો : તમારા ખિસ્સા પર સીધી અસર : બેંકિંગથી લઈને ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર!

EPFO 3.0 થશે લોન્ચ, FD અને લોનના વ્યાજદરોમાં ફેરફારની સંભાવના : કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડ નિયમો બદલાશે : LPG સિલિન્ડરના ભાવ પણ સુધરાશે

નવી દિલ્હી, 29 મે, 2025: જૂન મહિનો શરૂ થવાની સાથે જ સામાન્ય જનજીવનને અસર કરતા ઘણા નિયમોમાં ફેરફાર જોવા મળશે. આ ફેરફારો તમારા દૈનિક વ્યવહારોથી લઈને આર્થિક નિર્ણયો સુધી અસર કરી શકે છે. આવતા મહિને બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં બદલાવ લાવી શકે છે, સાથે જ EPFO દ્વારા EPFO 3.0 લોન્ચ કરવામાં આવશે અને LPG સિલિન્ડરના ભાવમાં પણ સુધારો કરવામાં આવશે.
EPFO 3.0 નો પ્રારંભ:
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) જૂન મહિનામાં EPFO 3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. EPFO 3.0 નો મુખ્ય ઉદ્દેશ્ય લાભાર્થીઓને વધુ સુવિધાજનક સેવાઓ પૂરી પાડવાનો છે. આ નવી સિસ્ટમ દ્વારા, ATM માંથી પૈસા ઉપાડવા, PF સંબંધિત ડેટા અપડેટ કરવા જેવી સુવિધાઓ વધુ સુલભ અને કાર્યક્ષમ બનશે, જેથી સભ્યોને સરળતાથી સેવાઓ મળી શકે.
FD દરો અને લોનના વ્યાજમાં ફેરફારની શક્યતા:
આવતા મહિને બેંકો પોતાની FD અને લોનના વ્યાજદરોમાં ફરીથી સુધારો કરી શકે છે. કારણ કે જૂન મહિનામાં આપણા દેશની સેન્ટ્રલ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI), નવા રેપો રેટની જાહેરાત કરશે. હાલ એવી અપેક્ષા સેવાઈ રહી છે કે રિઝર્વ બેંક રેપો રેટમાં વધુ ઘટાડો કરી શકે છે. જો આવું થશે, તો તેની સીધી અસર બેંકો દ્વારા અપાતી લોન અને ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરો પર પડશે, જે ગ્રાહકો માટે લોન સસ્તી બનાવશે અને FD પરનું વળતર ઘટાડશે.
ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવ:
કોટક મહિન્દ્રા બેંકે ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ નવા નિયમો 1 જૂન, 2025 થી અમલમાં આવશે. આ ફેરફારો ખાસ કરીને રિવોર્ડ પોઈન્ટ્સ, કેશબેક અને ક્રેડિટ કાર્ડ સાથે સંકળાયેલા ચાર્જિસ સાથે સંબંધિત હશે. કોટક મહિન્દ્રા ક્રેડિટ કાર્ડ ધારકોને 1 જૂનથી આ ફેરફારોનો અનુભવ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને રિવોર્ડ મેળવવા માટે એક મર્યાદાનો સામનો કરવો પડી શકે છે, જે તેમના ખર્ચ કરવાની આદતો પર અસર કરી શકે છે.
LPG સિલિન્ડરના ભાવમાં સુધારો:
દર મહિનાની પહેલી તારીખે, ગેસ એજન્સીઓ દ્વારા ઘરેલુ અને વાણિજ્યિક LPG સિલિન્ડરના ભાવોમાં સુધારો કરવામાં આવે છે. જોકે, ગયા વર્ષે ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો ન હતો. આ મહિનાની શરૂઆતમાં, કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે વેપારીઓ માટે રાહતરૂપ હતું. હવે 1 જૂનના રોજ LPG સિલિન્ડરના નવા દર જાહેર કરવામાં આવશે, જેના પર સામાન્ય જનતાની નજર રહેશે.
આ ફેરફારો આવતા મહિનાથી તમારા દૈનિક આર્થિક વ્યવહારો અને બજેટ પર સીધી અસર કરશે, તેથી આ ફેરફારોથી વાકેફ રહેવું અત્યંત જરૂરી છે.

 

(2:59 PM IST)