<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

પત્ની છતાં... લગ્નના વચન પર શારીરિક સંબંધો? રેપ કેસ રદ કરતા સુપ્રીમ કોર્ટ પણ દંગ!

ફરિયાદી મહિલા સંબંધોની શરૂઆતમાં પરિણીત હતી, કોર્ટે કહ્યું: 'લગ્નના વચનનો કાયદેસર અમલ શક્ય નથી, આ તો સંમતિથી બંધાયેલો સંબંધ છે' : વિદ્યાર્થીને મળી મોટી રાહત

નવી દિલ્હી, 29 મે, 2025: લગ્નના ખોટા વચનના આધારે એક મહિલા સાથે શારીરિક સંબંધો બાંધવાના આરોપસર ફસાયેલા એક વિદ્યાર્થીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. પરંતુ આ કેસમાં જે હકીકતો સામે આવી, તે ખુદ સર્વોચ્ચ અદાલતને પણ આશ્ચર્ય પમાડી ગઈ! સુપ્રીમ કોર્ટે રેપ કેસને રદ કરતા સ્પષ્ટપણે કહ્યું કે, આ બંને વચ્ચેના સંબંધો સંમતિથી બંધાયા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે, આ કેસમાં આરોપ લગાવનાર મહિલા ઘટના સમયે પહેલેથી જ પરિણીત હતી!
સંબંધ શરૂ થયો ત્યારે મહિલા હતી પરિણીત!
જ્યારે મહિલા અને યુવક વચ્ચે સંબંધો શરૂ થયા, ત્યારે ફરિયાદી મહિલા પરિણીત હતી. ભલે તે પતિથી અલગ રહેતી હોય, પરંતુ તેના છૂટાછેડા થયા નહોતા. કોર્ટે આ હકીકત પર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, આવા કિસ્સામાં તેને લગ્નના ખોટા વચન સાથે જોડાયેલો બળાત્કારનો કેસ માની શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યાં સુધી સંબંધોની શરૂઆતથી જ આરોપીનો કોઈ ગુનાહિત ઈરાદો ન હોય, ત્યાં સુધી માત્ર લગ્નનું વચન તોડવું એ કલમ 376 હેઠળ 'ખોટા વચન પર બળાત્કાર' ગણાશે નહીં.
કોર્ટનો સ્પષ્ટ મત: 'ફક્ત સંબંધોમાં કડવાશ ગુનાહિત કેસનો આધાર ન બને'
જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ એસસી શર્માની ખંડપીઠ આ કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું, "અમારા મતે આ એવો કેસ નથી જ્યાં શરૂઆતમાં લગ્નનું કોઈ ખોટું વચન આપવામાં આવ્યું હોય. સંબંધોમાં કડવાશ આવી જવી અથવા બંનેનું દૂર થઈ જવું એ રાજ્યની ગુનાહિત મશીનરીના ઉપયોગનો આધાર બની શકે નહીં. આવું કરવાથી માત્ર કોર્ટ પર બોજ વધતો નથી, પરંતુ આવા ગુનાના આરોપી વ્યક્તિની ઓળખ પર પણ ડાઘ લાગે છે."
કોર્ટે આગળ કહ્યું કે, "કોર્ટે આવી જોગવાઈઓના ઉપયોગને લઈને પહેલા પણ ચેતવણી આપી છે. સાથે જ, લગ્નના દરેક વચનના ઉલ્લંઘનને ખોટું વચન જણાવીને કોઈની સામે IPCની કલમ 376 હેઠળ કેસ ચલાવવો મૂર્ખતાપૂર્ણ ગણાવ્યો છે."
શું હતો સમગ્ર મામલો?
વાસ્તવમાં, આરોપી (અરજદાર) વિદ્યાર્થીએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાં તેને નિરાશા મળી હતી. ત્યારબાદ તેણે સુપ્રીમ કોર્ટનો આશરો લીધો. કથિત અપરાધના સમયે અરજદારની ઉંમર 23 વર્ષ હતી. પરિણીત મહિલાએ તેના પર આરોપ લગાવ્યો હતો કે લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા. જોકે, મહિલા તે સમયે પતિથી અલગ રહી રહી હતી, પરંતુ તેના છૂટાછેડા થયા નહોતા.
સુપ્રીમ કોર્ટે તપાસ કરી કે લગાવવામાં આવેલા આરોપો અપરાધ બને છે કે નહીં અથવા ખોટી ભાવનાથી કેસ દાખલ કરવામાં આવ્યો છે. જસ્ટિસ શર્મા દ્વારા લખવામાં આવેલા નિર્ણયમાં રેકોર્ડ પરની માહિતી પછી જણાવવામાં આવ્યું છે કે, "સંબંધની શરૂઆતના સમયે ફરિયાદી પરિણીત હતી અને બાદમાં છૂટાછેડા થયા. આવા કિસ્સામાં અરજદારના કથિત લગ્નના વચનને કાયદેસર રીતે લાગુ કરી શકાય નહીં, કારણ કે તે અરજદાર સાથે સંમતિથી સંબંધના સમયે પરિણીત હતી."
કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે, "એવું માની શકાય નહીં કે ફરિયાદીએ કોઈ અન્ય સાથે પરિણીત હોવા છતાં લગ્નના વચનના આધારે અરજદાર સાથે શારીરિક સંબંધો બાંધ્યા." કોર્ટે એ પણ શોધી કાઢ્યું કે મહિલા અને અરજદાર વચ્ચેનો સંબંધ 12 મહિનાથી વધુ સમય સુધી ચાલ્યો અને બંને બે અલગ-અલગ પ્રસંગોએ સાથે લોજમાં પણ ગયા હતા. મહિલાને એક ચાર વર્ષનો દીકરો પણ છે.
આમ, ભજનલાલના કેસમાં નક્કી કરાયેલા સિદ્ધાંતો પર ભરોસો રાખીને સુપ્રીમ કોર્ટે આ FIRને રદ કરી દીધી છે. આ નિર્ણય ખોટા કેસોના દુરુપયોગને અટકાવવા અને વાસ્તવિકતાના આધારે કાયદાનું પાલન કરાવવા માટે મહત્વપૂર્ણ મનાય છે.

 

(3:28 PM IST)