News of Friday, 30th May 2025
૭ કરોડ લોકો માટે ખુશખબરઃ ટૂંક સમયમાં PFના રૂપિયા ATMમાંથી ઉપાડી શકાશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFO ૩.૦ લોન્ચ કરવાની તૈયારીમાં

નવી દિલ્હી તા.૩૦: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ખૂબજ જલ્દી EPFO ૩.૦ લોન્ચ કરવાની તૈયારીમાં છે. જેના કારણે ૭ કરોડ કરતા પણ વધુ ખાતાધારકોને મોટો ફાયદો થવાનો છે. સૌથી મહત્વની વાત તો એ છે કે EPFO ૩.૦ લોન્ચ થયા બાદ લોકો સીધા એટીએમ માંથી રૂપિયા ઉપાડી શકશે.
EPFO ૩.૦ ટૂંક સમયમાં લોન્ચ થશે
જો તમે નોકરી કરતા હો અને PF માં પૈસા જમા થાય છે, તો તમારા માટે એક રાહતભરી ખબર છે. જલ્દી જ એવો સમય આવી શકે છે જ્યારે PF ના પૈસા કાઢવા માટે તમને ન તો ઓનલાઇન પોર્ટલ પર જવું પડશે, ન તો ઓફિસના ચક્કર લગાવવાના રહેશે. ખરેખર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) નવી અને એડવાન્સ સર્વિસ EPFO ૩.૦ ને મે-જૂન ૨૦૨૫ વચ્ચે લોન્ચ કરવાની તૈયારીમાં છે. આથી ૭ કરોડથી વધુ PF ખાતાધારકોને ફાયદો થશે. આની જાહેરાત કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ પહેલેથી જ કરી છે. આ સર્વિસ લોન્ચ થયા પછી EPFO યુઝર્સ ATM અને UPI થી પણ PF ના ફંડ કાઢી શકશે.
EPFO ૩.૦ ના ખાસ ફીચર્સ
PF પર ૮.૨૫% ની વ્યાજ દર જળવાઈ રહેશે. તાજેતરમાં જ સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) પર ૮.૨૫ ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. જો તમારા PF એકાઉન્ટમાં ૨ લાખ રૂપિયા જમા હશે તો તમને ૧૬,૫૦૦ રૂપિયા વ્યાજ મળશે. આ પહેલા એમ્પલોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ ૨૮ ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે EPF ડિપોઝિટ પર ૮.૨૫ ટકા વ્યાજ દર જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.
એટીએમથી પીએફ ઉપાડઃ EPF સબ્સ્ક્રાઇબર્સ હવે તેમના ક્લેમ મંજૂર થયા પછી ફંડ સીધા એટીએમમાંથી ઉપાડી શકશે, જેમ કે સામાન્ય બેંક ટ્રાન્ઝેક્શનમાં થાય છે.
ઓટો-ક્લેમ સેટલમેન્ટઃ ક્લેમનો નિકાલ હવે ઓટોમેટેડ સિસ્ટમથી થશે, જેથી મેન્યુઅલ પ્રક્રિયાની જરૂરિયાત ઓછી થશે.
ડિજિટલ સુધારાની સુવિધાઃ સભ્યો હવે તેમના EPF એકાઉન્ટની માહિતી જેમ કે નામ, જન્મતારીખ વગેરે ઓનલાઇન અપડેટ કરી શકશે. આથી દસ્તાવેજી પ્રક્રિયા ખતમ થઈ જશે.
ઓટીપી વેરિફિકેશનઃ પરંપરાગત ફોર્મ આધારિત પ્રક્રિયાની જગ્યાએ ઓટીપી આધારિત વેરિફિકેશન શરૂ કરવામાં આવશે.
ફરિયાદ પ્રણાલીમાં સુધારઃ નવું પ્લેટફોર્મ વધુ સારું અને ઝડપી ફરિયાદ નિરાકરણ પ્રક્રિયા સાથે સજ્જ હશે. આથી ખાતાધારકોની મુશ્કેલી ઝડપથી નિકાળી શકાશે.
યોજનાઓનું એકીકરણઃ EPFO નું લક્ષ્ય અટલ પેન્શન યોજના (APY) અને પ્રધાનમંત્રી જીવન બીમા યોજના (PMJBY) જેવી યોજનાઓનું એકીકરણ કરવાનું છે
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
