<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

તમામ મોટી મેચ ગુજરાતમાં જ કેમ? કોલકાતાને યજમાની ન મળતા મમતા દીદી ભડક્યાં, કહ્યું ''મને બધી જ ખબર છે, મેં મોઢું ખોલ્યું તો...''

મમતાએ કહ્યું હું મારા નામ પર સ્ટેડીયમ નથી બનાવતી, મારે કોઈ પ્રચાર કરવાની જરૃર નથી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચે પેદા થયેલા તણાવની સ્થિતિ બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગને ૧ અઠવાડિયા માટે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો. બીજી વાર તેને શરૃ કર્યા બાદ શેડ્યૂલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો જે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પસંદ આવ્યું નહીં. નોંધનીય છે કે, પહેલા આઈપીએલની ફાઇનલ કોલકાતામાં રમાનાર હતી, જેને ત્યારબાદ અમદાવાદમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વાતનો બળાપો મમતા દીદીએ પીએમ નરેન્દ્ર મોદી પર કાઢ્યો છે.

મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેમણે આઈપીએલ સહિત ભારતીય ટીમની તમામ મોટી મેચ અમદાવાદમાં યોજવાનો આરોપ લગાવ્યો છે. મમતા દીદીએ અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમનો ઉલ્લેખ કર્યો, જેનું નામ વડાપ્રધાનના નામ પર રાખવામાં આવ્યું છે અને કહ્યું કે તમામ મેચ ત્યાં જ યોજવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું, હું મારા નામ પર સ્ટેડિયમ નથી બનાવતી. હું મારા નામ પર રેલવે લાઇન નથી બનાવતી. મારે પોતાનો પ્રચાર કરવાની કોઈ જરૃર નથી. એક આદર્શ વ્યકિત તરીકે જીવવું જ કાફી છે. તમે મોદી સ્ટેડિયમ બનાવી લીધું અને તમે તમામ મેચ ત્યાં જ કરાવી રહ્યા છો. કર્ણાટક, કેરળ, બંગાળમાં કોઈ મેચ નથી રમાઈ રહી. તમામ મેચ ગુજરાતમાં જ કેમ? મને બધી ખબર છે. જો મેં મોઢું ખોલ્યું તો જે તમે બહાર પોતાની પ્રતિષ્ઠા કમાઈ છે તે તમામ ધોવાઈ જશે.

(11:30 AM IST)