News of Friday, 30th May 2025
પંજાબ : મુક્તસર સાહિબમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ : ૫ના મોત : ૨૫ને ઇજા
સારવાર માટે ભટિંડાની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે

ચંદીગઢ, તા.૩૦: પંજાબના મુક્તસર સાહિબ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થયા છે અને ૩૪ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટના સમાચાર મળતા જ પોલીસ પ્રશાસનના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને સારી સારવાર માટે ભટિંડાની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને પ્રશાસન ઘટનાના કારણો શોધી રહ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટના લાંબી વિધાનસભા મતવિસ્તારના સિંઘવાલા ગામમાં બની હતી. આ ફેક્ટરી તરસેમ સિંહ નામના વ્યક્તિની છે. વિસ્ફોટ બાદ ફેક્ટરી કાટમાળમાં ફેરવાઈ ગઈ. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફેક્ટરીની બે માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા. કર્મચારીઓનું કહેવું છે કે રાત્રે સૂતા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો.
વિસ્ફોટ થતાં જ ફેક્ટરીના કામદારોમાં ચીસો પડી ગઈ અને લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા. લાંબીના નાયબ પોલીસ અધિક્ષક જસપાલ સિંહ કહે છે કે પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
ઘટના બાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને રાહત બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રશાસને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ કોન્ટ્રાક્ટર ભાગી ગયો છે અને પોલીસ તેની શોધમાં દરોડા પાડી રહી છે. પોલીસ અને પ્રશાસનનું કહેવું છે કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મીડિયામાં આવેલી માહિતી મુજબ, ફેક્ટરીમાં મોટી માત્રામાં તૈયાર ફટાકડા રાખવામાં આવ્યા હતા, જે ફૂટવાની શકયતા છે. વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાયો હતો અને લોકો ગભરાઈ ગયા હતા. ફેક્ટરીમાં કુલ ૪૦ કર્મચારીઓ કામ કરે છે અને ઘણા કામદારો ફેક્ટરી પરિસરમાં રહે છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
