<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

કરાચી એરપોર્ટ પર પાણીના ફાંફા!

પાકિસ્‍તાની અભિનેત્રીએ ખોલી શાહબાઝ સરકારની પોલ

મુંબઈ,તા.૩૦: તાજેતરમાં ભારત સાથે થયેલા લશ્‍કરી સંઘર્ષમાં પાકિસ્‍તાને પછાડટ મળી હતી. હાલ પાકિસ્‍તાન મોટા દેવા હેઠળ દબાયેલું છે, છતાં પાકિસ્‍તાનની શાહબાઝ શરીફ સરકારે દેશના સંરક્ષણ બજેટમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્‍તાનના જ કેટલાક નગરિકો સરકારના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે. એવામાં પાકિસ્‍તાનની એક જાણીતી અભિનેત્રીએ કરાચીના જિન્ના ઇન્‍ટરનેશનલ એરપોર્ટની કથળેલી હાલતની પોલ ખોલી છે.

અહેવાલ મુજબ કરાચીના જિન્ના ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર પાણી જેવી પ્રાથમિક સુવિધાની પણ અપૂરતી વ્‍યવસ્‍થા છે. બાથરૂમમાં પાણીનો પુરવઠો બંધ થઈ ગયો હોવાના પણ અહેવાલ છે. પ્રખ્‍યાત પાકિસ્‍તાની અભિનેત્રી હિના ખ્‍વાજા બયાતએ એરપોર્ટ પર પાણીની અછત માટે અધિકારીઓની ટીકા કરી છે.

‘આ શરમજનક પરિસ્‍થિતિ છે'

સોશિયલ મીડિયા પર કરાચી એરપોર્ટનો એક એક વીડિયો પોસ્‍ટ કરવામાં આવ્‍યો છે, જેમાં હિના ખ્‍વાજા બયતે કરાચી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર મૂળભૂત સુવિધાઓના અભાવ અંગે નિરાશા અને નારાજગી વ્‍યક્‍ત કરી હતી. તેણેએ કહ્યું, એવા સમયે જ્‍યારે આપણને આપણા દેશ પર ગર્વ હોવો જોઈએ, ત્‍યારે એરપોર્ટના બાથરૂમમાં પાણી નથી. લોકો વજુ કરવા, નમાઝ પઢવા, પોતાના બાળકોને વોશરૂમમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ત્‍યાં પાણી નથી. આ શરમજનક પરિસ્‍થિતિ છે.

સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ

હિના ખ્‍વાજા બયતે સરકારની પ્રાથમિકતાઓ પર સવાલ ઉઠાવ્‍યા અને આરોપ લગાવ્‍યો કે સરકાર મુખ્‍ય મુદ્દાઓને અવગણીને મોટા વાયદાઓ કરી રહી છે. તેણે કહ્યું દરેક વ્‍યક્‍તિ મોટા પ્રોજેક્‍ટ્‍સ અને વિકાસ વિશે વાત કરે છે, પરંતુ દુર્ભાગ્‍યપૂર્ણ છે કે આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટના બાથરૂમમાં પાણી પણ નથી. મૂળભૂત બાબતો કોણ સુધારશે? આપણા એરપોર્ટ, સંસ્‍થાઓ - બધું જ તૂટી પડ્‍યું છે. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.

‘ઉજવણી પછી કરજો'

ઇન્‍સ્‍ટાગ્રામ પરના એક વિડીયોના કેપ્‍શનમાં હીનાએ લખ્‍યું, એક દેશ તરીકે આપણે નબળી સેવા, નબળી સિસ્‍ટમ, નબળા મેનેજમેન્‍ટ, નબળી જાળવણી અને સંસ્‍થાકીય નુકસાનને આવી રીતે કેમ સ્‍વીકારી રહ્યા છીએ? કારણ કે આપણે હંમેશા અસત્‍યને ન્‍યાયી ઠેરવવાનો પ્રયાસ કરીએ છીએ અને સામાન્‍ય નાગરિકની રોજિંદા મૂળભૂત જરૂરિયાતો પર ધ્‍યાન આપવાને બદલે નકામા પ્રયાસોને પ્રાથમિકતા આપીએ છીએ. હવે જવાબદારી લેવાનો અને ઉજવણી કરતા પહેલા વસ્‍તુઓ સુધારવાનો સમય છે.

(3:46 PM IST)