News of Friday, 30th May 2025
યુપીના જૌનપુરના શંભુગંજ બજાર પાસે ભયાનક માર્ગ અકસ્માત : ખાનગી બસનું સ્ટીયરિંગ ફેલ થતા ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ પલટી ખાતા પાંચ લોકોના મોત : 15 લોકો ઘાયલ
બસ ખૂબ જ ઝડપે ચાલી રહી હતી, સ્ટીયરિંગ ફેલ થવાને કારણે તે નિયંત્રણ બહાર ગઈ અને પલટી ગઈ : સ્થાનિક લોકોએ માહિતી આપી : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

જૌનપુર તા.૩૦ : યુપીના જૌનપુરના બુકસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંભુગંજ બજાર પાસે શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બદલાપુરથી જૌનપુર આવી રહેલી એક ખાનગી બસનું સ્ટીયરિંગ ફેલ થવાને કારણે કાબુ ગુમાવ્યો અને બસ પલટી ગઈ. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તમામ ઘાયલોને નૈપેદ્વા સીએચસીમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલોમાંથી 15 લોકોની હાલત ગંભીર છે. તેમને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતગ્રસ્ત બસને કસ્ટડીમાં લીધી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.
સ્ટીયરિંગ ફેલ થવાને કારણે ખાનગી બસે ગુમાવ્યો કાબુ
ખાનગી બસ બદલાપુરના ઘનશ્યામપુરથી 55 મુસાફરો સાથે જૌનપુર જવા રવાના થઈ હતી. શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યે બસ શંભુગંજ બજાર નજીક પહોંચી હતી. દરમિયાન, અચાનક સ્ટીયરિંગ ફેલ થવાને કારણે ખાનગી બસે કાબુ ગુમાવ્યો અને પલટી મારી ગઈ. અકસ્માત બાદ મુસાફરોમાં ચીસો પડી ગઈ. અરાજકતા મચી ગઈ. ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું. આ દુ:ખદ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
બસની ઝડપ વધારે હોવાથી થયો અકસ્માત: સ્થાનિક
પોલીસે તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર માટે નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા, જ્યાં ડોક્ટરોએ 15 ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કર્યા કારણ કે તેમની હાલત ગંભીર હતી. જો લોકોનું માનીએ તો બસ ખૂબ જ ઝડપે ચાલી રહી હતી. સ્ટીયરિંગ ફેલ થવાને કારણે તે નિયંત્રણ બહાર ગઈ અને પલટી ગઈ. પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
